Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

યુપીમાં બ્લોક પ્રમુખની ચૂંટણીમાં નામાંકન પ્રક્રિયા હિંસક બની: ફાયરીંગ: ગ્રેનેડ ફેંકાયા

હિંસા, ફાયરીંગ તેમજ ભાજપ અને સમાજવાદી પક્ષના સમર્થકો વચ્ચે અથડામણ

ઉતરપ્રદેશમાં ક્ષેત્ર પંચાયત પ્રમુખ (બ્લોક પ્રમુખ)ની 825 સીટોની ચૂંટણીની નામાંકન પ્રક્રિયા દરમિયાન હિંસા, ફાયરીંગ તેમજ ભાજપ અને સમાજવાદી પક્ષના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સપાના કાર્યકર્તાઓએ પત્રકારોની પણ મારપીટ કરી હતી, અનેક જગ્યાએ નામાંકનપત્ર છીનવીને ફાડી નખાયા હતા.ઉતરપ્રદેશમાં 826 બ્લોક છે તેમાં ગોંડાના મુહેજના બ્લોકને બાદ કરતા બધા 825 બ્લોકમાં ચૂંટણી થઈ રહી છે.

ગુરુવારે સવારે 11 વાગ્યે શરુ થયેલી નામાંકન પ્રક્રિયા બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. બ્લોક પ્રમુખની ચૂંટણી આવતીકાલે 10મી જુલાઈએ યોજાશે. ગઈકાલે નામાંકન દરમિયાન જોરદાર હિંસા થઈ હતી. સપા અને ભાજપ સમર્થકો વચ્ચે ટકરાવ થયો હતા. દરમિયાન ફાયરીંગ થતા પથ્થરમારો અને ગ્રેનેડ પણ ફેંકાયા હતા. અનેક ઉમેદવારોને બળજબરીથી નામાંકન નહોતા ભરવા દેવાયા. કેટલાકના તો ઉમેદવારી પત્રો ફાડી નખાયા હતા.
ઈટાવામાં તો ભાજપ સમર્થકને ગોળી મારવામાં આવી હતી, જયારે કનૌજમાં પણ જોરદાર બબાલ થઈ હતી. સીતાપુર અને લખીમપુરમાં માર્ગો પર કલાકો સુધી ધમાસાણ મચ્યું હતું. બસ્તી શહેરમાં પણ ફાયરીંગની ઘટના બની હતી. જો કે પ્રયાગરાજ, બાંટા, ચિત્રફુટ, હમીરપુર, મહોબા જિલ્લામાં નામાંકન પ્રક્રિયા શાંતિથી સંપન્ન થઈ હતી. ઉતરપ્રદેશમાં નામાંકન દરમિયાન હિંસામાં પોલીસની ગાડી પણ તોડફોડનો ભોગ બની હતી. નામાંકનને કવરેજ કરી રહેલા પત્રકારો પણ હુમલાનો શિકાર બન્યા હતા.

(12:57 am IST)