Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચિરાગ પાસવાનને મોટો ઝટકો :પશુપતિ કુમારને નેતા બનાવવા વિરુદ્ધની અરજી હાઇકોર્ટે ફગાવી

આ બાબત લોકસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ હોય કોઇ આદેશ આપવાનો અર્થ નથી: કોર્ટે એ પણ નોંધ્યું કે ચિરાગ પાસવાનની અરજીનો કોઇ આધાર નથી

દિલ્હી હાઇકોર્ટે લોક જનશકિત પાર્ટી(LJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષની અરજીને ફગાવી દીધી છે. જેમાં તેમણે કાકા પશુપતિ કુમાર પારસને લોકસભાના નેતા બનાવવા બદલ લોકસભા અધ્યક્ષના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે આ બાબત લોકસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે તેથી આ અંગે કોઇ આદેશ આપવાનો અર્થ નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે ચિરાગ પાસવાનની અરજીનો કોઇ આધાર નથી.

7 જુલાઇના રોજ દાખલ અરજીનો હવાલો આપતા ચિરાગ પાસવાને પાર્ટીના બંધારણનો હવાલો આપીને વિદ્રોહી સાંસદો પર વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો હતો. તેની સાથે દાવો પણ કર્યો કે પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે લોક જનશકિત પાર્ટીથી પશુપતિ કુમાર પારસને પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચિરાગ પાસવાને પોતાની અરજીના કહ્યું હતું કે લોક જનશકિત પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં કુલ 75 સભ્યો છે. જેમાં 66 સભ્યો ચિરાગ પાસવાનની સાથે છે. તેવા સમયે કાકા પશુપતિ કુમાર પારસના દાવા સાચા નથી. અરજીમાં પશુપતિ કુમાર પારસ સહિત પાર્ટીના પાંચ સાંસદ, સંસદ સચિવ સચિવાલય, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઇલેક્શન કમિશન અને ભારત સરકારને પાર્ટી બનાવવામાં આવ્યા હતા.

 

કોર્ટમાં જસ્ટિસ રેખા પલ્લીએ ચિરાગ પાસવાનના વકીલ અરવિંદ વાજપેયીને કહ્યું કે તમારે પાર્ટીના મુદ્દા પાર્ટીના ઉકેલવા જોઇએ. કોર્ટે વકીલને પૂછ્યું કે તમારી પાર્ટીમાં કેટલા સાંસદ છે. જેની પર વાજપેયીએ જવાબ આપ્યો કે પાર્ટીમાંથી 6 સાંસદ જીત્યા હતા તેમાંથી 5 છોડીને જતાં રહ્યા છે.

કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે લોકસભા અધ્યક્ષને પાર્ટી બનાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ કેસના નોટિસ ઇસ્યુ ના કરવી જોઇએ. ચિરાગ પાસવાન પાર્ટી તરફથી કેવી રીતે અરજી કરી શકે છે. અન્ય ઉપાય પણ છે. હું સલાહ એટલે આપવા માંગુ છું કે આ અરજી બંધારણના મુદ્દાઓથી વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે મોદી કેબિનેટના વિસ્તરણમાં પશુપતિ કુમાર પાસવાનને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો ચિરાગ પાસવાને ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો.

(12:17 am IST)