Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સ્ટેટ GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા : 71 સ્થળોએ રેડ પાડી 1000 કરોડથી વધુની કરચોરી ઝડપી : બે વ્યક્તિઓની ધરપકડ

રાજ્યની અલગ અલગ 36 કંપનીઓ તેમજ પેઢીઓ ઝપટે : ભાવનગરમાં 42 સ્થળો, અમદાવાદમાં 17, ગાંધીનગર 5, સુરત 4, રાજકોટમાં 2 અને પ્રાંતિજમાં 1 સ્થળ પર દરોડા: માધવ લીમીટેડમાં 425 કરોડના બોગસ બીલિંગ અને 75 કરોડની કરચોરી ખુલી

અમદાવાદ : રાજ્યના GST વિભાગ દ્વારા કરોડોની કરચોરીની આશંકાને પગલે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યાં છે. રાજ્ય કરવેરા વિભાગની ટિમ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં ગુજરાતની અલગ અલગ 36 કંપનીઓ તેમજ પેઢીઓનો સમાવેશ થાય છે. આ કંપની તેમજ પેઢીના અલગ અલગ 71 સ્થળો પર SGST ના અધિકારીઓ દ્વારા દરોડા પાડી 1000 કરોડથી વધુ રકમની કરચોરી ઝડપી પાડી છે.

SGST દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સૌથી વધુ ભાવનગરમાં 42 સ્થળો, અમદાવાદમાં 17, ગાંધીનગર 5, સુરત 4, રાજકોટમાં 2 અને પ્રાંતિજમાં 1 સ્થળ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 36 કંપનીઓમાંની એક માધવ કોપર લીમીટેડ દ્વારા સૌથી મોટી કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

માધવ લીમીટેડમાં પ્રાથમિક તપાસમાં 425 કરોડના બોગસ બીલિંગ કર્યાનું અને 75 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) દ્વારા અલગ અલગ 24 પેઢીઓમાં કુલ 577 કરોડના બોગસ બીલિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેનાથી રાજ્ય સરકારને 109 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવી જ રીતે ભાવનગરના અફઝલ સાદિકઅલી સવજાણીએ જુદી જુદી 25 પેઢીઓમાં 739 કરોડ રૂપિયાના બોગસ બીલિંગ કરીને રાજ્ય સરકારને 135 કરોડ રૂપિયાનું નુકસાન પહોચાડ્યું છે. આ બન્ને આરોપીઓ દ્વારા રાજ્ય કરવેરા વિભાગ તેમજ રાજ્ય સરકાર સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરી હોવાનું ધ્યાને આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

વેપારીઓ દ્વારા કરચોરી કરવા માટે બોગસ બીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે જેને ઝડપી પાડવા માટે SGST ના અધિકારીઓ દ્વારા વિવિધ કંપની કે પેઢી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ઝીણવટભરી તપાસ કરવામાં આવતી હોય છે.

આ 36 કંપનીઓના વ્યવહારો છેલ્લા કેટલાય સમયથી શંકાસ્પદ હતા, જેને લઈને SGST ની ટીમ દ્વારા આ તમામ કંપનીઓ પર એકસાથે દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી. SGST વિભાગના દરોડામાં અલગ અલગ 80 ટીમોને કામે લગાડવામાં આવી છે, જેમના દ્વારા આ 36 કંપનીઓના 80 સ્થળો પરથી અધિકારીઓને વાંધાજનક સાહિત્ય તેમજ ડિજિટલ ડોક્યુમેન્ટ મળ્યા છે, જેને કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:40 pm IST)