Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

દેશમાં ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવશે

કોરોનાની ત્રીજી લહેરના સામના માટે સરકાર સજ્જ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજન સપ્લાય વધારવા માટે સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી

નવી દિલ્હી, તા.૯ : કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.જેના ભાગરુપે આજે પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજન સપ્લાય વધારવા માટે સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓએ પીએમ મોદીને પ્રેશર સ્વિંગ એબ્સોપર્શન ઓક્સિજન પ્લાન્ટ અંગે જાણકારી આપીને કહ્યુ હતુ કે, દેશના દરેક જિલ્લામાં આવા પ્લાન્ટ લાગી રહ્યા છે અને કુલ ૧૫૦૦ પ્લાન્ટ સેટ અપ કરવામાં આવશે.પીએમ કેર ફંડની સહાયથી આ પ્લાન્ટ લગાવાઈ રહ્યા છે.આ પ્લાન્ટ કાર્યરત થશે એટલે દેશમાં કુલ ચાર લાખ બેડ સુધી ઓક્સિજન સપ્લાય પહોંચશે.

પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ હતુ કે, વહેલી તકે આ પ્લાન્ટ કાર્યરત થઈ જાય તે પણ જરુરી છે.આ માટે અધિકારીઓ સબંધિત રાજ્ય સરકારો સાથે વાત કરે.દરેક જિલ્લામાં પ્લાન્ટના ઓપરેશન માટે નિષ્ણાત વ્યક્તિઓની પણ નિમણૂંક કરવામાં આવે.

અધિકારીઓએ પીએમ મોદીને જાણકારી આપી હતી કે, આ પ્લાન્ટ્સ ચલાવવા માટે દેશમાં ૮૦૦૦ લોકોને ટ્રેનિંગ આપવાનુ લક્ષ્યાંક છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ તથા બીજા અધિકારીઓ પણ હાજર હતા.

(7:12 pm IST)