Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

યૂનિફોર્મ સિવિલ કોડ આખા દેશમાં લાગુ થવો જોઇએઃ દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હી, તા.૯: દિલ્હી હાઇકોર્ટે યૂનિફોર્મ સિવિલ કોડ પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. છુટાછેડાના એક કેસમાં ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યુ કે દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડની જરૂરત છે. જસ્ટિસ પ્રતિભા એમ.સિંહે પોતાના નિર્ણયમાં કહ્યુ કે આજનો હિન્દુસ્તાન ધર્મ, જાતિ, સમુદાયની ઉપર ઉઠી ચુકયો છે.

ભારતમાં ધર્મ-જાતિના અવરોધો ધીમે ધીમે અદ્રશ્ય થઇ રહ્યા છે. આ બદલાવને કારણે લગ્ન અને છુટાછેડામાં પણ તકલીફ પડી રહી છે. આજની યુવા પેઢીએ આ તકલીફો સામે ઝઝુમવુ ના જોઇએ. દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ થવો જોઇએ. આર્ટિકલ ૪૪માં જે યૂનિફોર્મ સિવિલ કોડની આશા વ્યકત કરવામાં આવી છે તે માત્ર આશા ના રહેવી જોઇએ, તેને હકીકતમાં બદલવુ જોઇએ. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યુ કે આ નિર્ણય કાયદા મંત્રાલયને મોકલવામાં આવે જેથી કાયદા મંત્રાલય તેની પર વિચાર કરી શકે.

છુટાછેડાના એક કેસમાં ચુકાદો સંભળાવતા દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ પ્રતિભા એમ.સિંહે આ ટિપ્પણી કરી છે. કોર્ટ સામે સવાલ ઉભો થઇ ગયો હતો કે છુટાછેડા પર નિર્ણય હિન્દૂ મેરેજ એકટ અનુસાર આપવામાં આવે અથવા પછી મીના જનજાતિના નિયમ અનુસાર. પતિ હિન્દૂ મેરેજ એકટ અનુસાર છુટાછેડા ઇચ્છતો હતો જયારે પત્નીનું કહેવુ હતું કે તે મીના જનજાતિમાંથી આવે છે જેને કારણે તેની પર હિન્દૂ મેરેજ એકટ લાગુ નથી થતો. આ કારણે તેના પતિ દ્વારા દાખલ ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી ફગાવી દેવામાં આવે. પતિએ હાઇકોર્ટમાં પત્નીની આ દલીલ વિરૂદ્ઘ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે પતિની અપીલને સ્વીકારી હતી અને યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરત પર ટિપ્પણી કરી હતી.

(4:43 pm IST)