Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બકરા પર કુદરતી રીતે 'અલ્લાહ' અને 'અહમદ' લખેલું હોવાથી લોકોને ખૂબ પસંદઃ જોવા માટે ઉમટી રહી છે ભીડઃ કિંમત છે 'માત્ર' ૧૧ લાખ

મંદસૌર, તા.૯: મધ્ય પ્રદેશના મંદસૌરનો એક બકરો ખૂબ જ ચર્ચામાં છે. તેની કિંમત એટલી છે કે ભલભલાનું ખિસ્સું ખાલી થઈ જાય. કુદરતે તેની પર કંઈ એવું લખ્યું છે કે જેના કારણે તેના ભાવ સાતમા આસામાને છે. આ બકરાની કિંમત અધધ ૧૧ લાખ રૂપિયા છે. જોકે, અત્યાર સુધીની બોલીમાં તેની કિંમત સાડા પાંચ લાખ લાગી ચૂકી છે.

આ બકરાના માલિક છે મંદાસૌરના ઈન્દિરા કોલોનીમાં રહેનારા શકીલ. શકીલ વ્યવસાયે ઓટો ગેરેજ સંચાલક છે. તેમના જણાવ્યા મુજબ, બકરા પર 'અલ્લાહ'નું નામ લખેલું છે. એક તરફ શ્નઅલ્લાહલૃનું નામ અને બીજી તરફ 'અહમદ' લખેલું છે. આ જ કારણથી શકીલના આ બકરાનો ભાવ ૧૧ લાખ રૂપિયા છે. શકીલનું કહેવું છે કે આમ તો અલ્લાહના નામની કોઈ કિંમત ન હોય, તેમ છતાંય કોઈ આ બકરાને ખરીદવા માંગે તો તેનો ભાવ લાખો રૂપિયામાં છે.

શકીલના જણાવ્યા મુજબ, હજુ સુધી આ બકરાની કિંમત લોકોએ સાડા પાંચ લાખ રૂપિયા લગાવી છે. તેમણે જણાવ્યું કે પહેલા આ બકરાનો રંગ બીજો હતો. પછી, ધીમેધીમે રંગ બદલાઈ ગયો અને તેના શરીર પર કુદરતી રીતે અલ્લાહનું નામ દેખાવા લાગ્યું. શકીલે આ બકરાનું નામ કાલૂ પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુદરતી રીતે અલ્લાહનું નામ લખેલા આ બકરાને જોવા માટે ભીડ એકત્ર થઈ જાય છે. લોકો પોતાના હિસાબથી તેની કિંમત પણ લગાવી રહ્યા છે. કોઈ તેને ખરીદી શકે કે નહીં તે બીજી બાબત છે, પણ તમામ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

બકરાને જોવા આવેલા જાફર ખાનનું કહેવું છે કે ઈદનો પર્વ આવવાનો છે. આ પર્વ પર બકરાની કુરબાની આપવાની પરંપરા છે. એવામાં બકરો ખરીદવાના શોખીન આ પ્રકારના કુદરતી બકરાની લાખો રૂપિયાની બોલી લગાવે છે અને ખરીદી લે છે. તેમણે કહ્યું કે, લોકોને વિશ્વાસ છે કે આ પ્રકારના બકરાની કુરબાની આપવાથી બરકત આવે છે. ઈદ પર આ પ્રકારના બકરાઓની ડિમાન્ડ વધી જાય છે. હાલ શકીલે આ બકરાને કોઈ હાટ બજારમાં વેચવા માટે ઊભા નથી રહ્યા. પરંતુ તેઓ ઈચ્છી રહ્યા છે કે તેને અલગ હાટ બજારમાં ઊભો રાખવામાં આવે જેથી તેની કિંમત વધુ જાય.

(3:53 pm IST)