Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સ્વીડનમાં મોટી વિમાન દુર્ઘટના :સ્કાયડાઇવિંગ વિમાન ક્રેશ : નવ લોકોના મોત

. ટેકઓફ થયાનાં થોડા જ સમયમાં તે ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક ક્રેશ થતા આગ લાગી

સ્વીડનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અહીં વિમાન દુર્ઘટનામાં સ્કાયડાઇવિંગ માટે વપરાયેલા વિમાનમાં સવાર 9 લોકોનાં મોત નીપજ્યાં છે.

 મળતી માહિતી મુજબ આ વિમાન ગુરુવારે સ્વીડનનાં ઓરેબ્રો એરપોર્ટની બહાર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. પોલીસ અને બચાવ ટીમોએ જણાવ્યું કે, આ અકસ્માતમાં તમામ નવ લોકોનાં મોત નીપજ્યાં, જેમાં 8 સ્કાય ડાઇવર્સ અને એક પાઇલટનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, જ્યારે વિમાને હવાઇ સફર શરૂ કર્યો ત્યારે તે ટેક-ઓફ દરમ્યાન અકસ્માતનો શિકાર બન્યું હતું.

  સ્વીડન પોલીસે કહ્યુ કે, 'આ એક ખૂબ જ ગંભીર અકસ્માત છે. ક્રેશ થયેલા વિમાનમાં સવાર દરેકનું મોત નીપજ્યું છે,' પોલીસે જણાવ્યું હતું કે, આઠ સ્કાયડાઇવર્સ અને એક પાઇલોટ DHC-2 ટર્બો બીવર વિમાનમાં સવાર હતા. ટેકઓફ થયાનાં થોડા જ સમયમાં તે ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક ક્રેશ થઈ ગયુ હતુ અને ત્યારબાદ તેને આગ લાગી હતી.

 વડા પ્રધાન સ્ટેફન લોફવેને ટ્વિટર પર આ અકસ્માતને લઇને લખ્યું કે, 'ઓરેબ્રોમાં વિમાન દુર્ઘટના અંગેનાં દુઃખદ સમાચાર મળ્યા. મને ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયે પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનો સાથે મારી સંવેદના છે.' વર્ષ 2019 માં પણ, સ્કાયડાઇવર સાથેનું વિમાન ઉત્તર-પૂર્વ સ્વીડનનાં ઉમે શહેરની બહાર ક્રેશ થયું ત્યારે નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

(1:18 pm IST)