Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ડાયરીમાં નોંધવુ હોય તો નોંધી લેજો..મનસુખભાઇ માંડવીયાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે : નરેન્દ્રભાઇએ ૯ વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી'તી

રાજકોટ,તા. ૯ : ગતરોજ મોદી કેબનિટના વિસ્તરણ પહેલા ડો.હર્ષવર્ધને સ્વાસ્થ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેમની જગ્યાએ હવે મનસુખ માંડવિયાને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મોદી સરકારના તે ૭ મંત્રીઓમાં શામેલ છે, જેઓને પ્રમોટ કરવામાં આવ્યા છે. ૪૯ વર્ષીય મનસુખભાઇ માંડવિયા વિશે આજથી ૯ વર્ષ પહેલા નરેન્દ્રભાઇ મોદીએ એક ભવિષ્યવાણી કરી હતી, જે આજે સાચી પડી છે.

હકીકતમાં, મનસુખભાઇ માંડવિયાને વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત રાજયસભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમના સન્માનમાં સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, તેઓને મનસુખ માંડવિયામાં ઘણી સંભાવનાઓ દેખાઇ રહી છે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે.

ખાસ વાત એ છે કે, નરેન્દ્ર મોદી મનસુખ માંડવિયા વિશે એટલા આત્મવિશ્વાસ સાથે ભવિષ્યવાણી કરતા દેખાઇ રહ્યા છે, તેઓ લોકોને તેમની આ વાતને ડાયરીમાં નોંધી લેવાનું કહી રહ્યા છે.

ટ્વીટર પર રવિ ધિયર નામના એક યુઝરે નરેન્દ્રભાઇ મોદીની તે ભવિષ્યવાણીની એક ન્યૂઝ ચેનલની કિલપ શેર કરી છે.

 જેમાં નરેન્દ્રભાઇ મોદી કહી રહ્યા છે કે, તમને કદાચ લાગતું હશે કે આપણા મનસુખભાઇ રાજયસભામાં ગયા, સન્માન છે, હાલો જઇ આવીએ, મિત્રો ઘટના એવી નાની નથી, આજની તારીખ ૯.૩૫એ હું બોલી રહ્યો છું, કોઇને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી રાખજો. મિત્રો હું સ્પષ્ટ જોઇ રહ્યો છું મનસુખભાઇનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે, તે મને સાફ દેખાય છે. તેમનામાં રહેલી શકિતઓ આવતીકાલ કેવી ઉજાળવાની છે, તેનો મને પૂરે-પૂરો અંદાજ છે મિત્રો. મને વિશ્વાસ છે હું સાચો સાબિત થઇશ.

મનસુખ માંડવિયાનું વધતું રાજકીય કદ

મનસુખ માંડવિયા ૨૦૦૨માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૮ વર્ષ હતી અને તેઓ સૌથી નાની વયના ધારાસભ્ય હતા. ૨૦૧૨માં તેઓ રાજયસભામાં ચૂંટાયા હતા. ૨૦૧૮માં તેમને ફરીથી રાજયસભામાં મોકલવામાં આવ્યા હતા. ૨૦૧૯માં પીએમ મોદીએ તેમને તેમના મંત્રીમંડળમાં શામેલ કર્યા.

તેમને બંદરો, શિપિંગ અને જળમાર્ગ પરિવહન મંત્રાલય તેમજ રસાયણો અને ખાતરોના મંત્રાલયમાં રાજયમંત્રીની જવાબદારી સોંપવામાં આવી. આ સમય દરમિયાન તેમણે પોતાના કામથી એક અલગ છાપ છોડી દીધી. તેમને આનું ઈનામ મળ્યું અને હવે રાજયમંત્રીથી કેબિનેટ મંત્રી તરીકે બઢતી છે. એટલું જ નહીં, કોરોના સંકટના આ સમયમાં વડાપ્રધાને તેમના પર વિશ્વાસ વ્યકત કરતાં આરોગ્ય મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.

(12:00 pm IST)