Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સતત છ માસ સુધી GST રિટર્ન ન ભર્યું હોય તો સર્ચ-સરવે થઇ શકે

લાંબા સમયથી રિટર્ન ભરવામાં ગાફેલ વેપારીઓ ચેતી જાય

નવી દિલ્હી,તા. ૯ : છ માસ સુધી નિયમિત જીએસટી રિટર્ન નહીં ભરનાર વેપારીને ત્યાં આગામી દિવસોમાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ અથવા સરવેની કાર્યવાહી થવાની શકયતા રહેલી છે.

જીએસટી પોર્ટલ પર જે વેપારી નિયમિત રિટર્ન ફાઇલ નહીં કરતા હોય તેમજ વધુ ઈનપુટ ટેકસ ક્રેડિટ લેતા હોય તેવા વેપારનું લિસ્ટ પોર્ટલ પર પોપ અપ સ્વરૂપે જોવા મળતું હોય છે. આવા વેપારીઓનું લિસ્ટ તૈયાર કરીને તેઓને ત્યાં તપાસ પણ કરવામાં આવતી હોય છે. જોકે, જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી જ આ નિયમ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ઘણા ઓછા કિસ્સામાં આવી રીતે તપાસ કરવામાં આવતી હતી. ત્યારબાદ કોરોનાની સ્થિતિને કારણે તો સર્ચ અને સરવેની કામગીરી જ સદંતર અટકી પડી છે. જોકે, આગામી દિવસોમાં આ કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે તેમાં પણ વેપારીએ જીએસટી નંબર લીધા બાદ એકાદ બે વર્ષ સુધી નિયમિત રિટર્ન ભરવામાં આવતા હોય પરંતુ થોડા સમયથી રિટર્ન ભરવાનું અચાનક બંધ કરી દીધું છે. આવા વેપારીઓને ત્યાં આગામી દિવસોમાં સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી અથવા તો ડીજીજીઆઇ દ્વારા પણ સર્ચ અને સરવે કરવાની કાર્યવાહી કરે તેવા સંજોગો ઊભા થયા છે.

  • GST કલેકશન ઘટતાં મોટાપાયે દરોડા પડવા સળવળાટ

જીએસટી કલેકશનનો લક્ષ્યાંક વધવાના બદલે હાલમાં ઘટી રહ્યો છે. તેના લીધે લક્ષ્યાંક પુર્ણ કરવા માટે પણ દરોડાની કાર્યવાહી ફરીથી થઇ શકે તેવા સંજોગો ઊભા થયા છે. જોકે કોરોનાના કારણે છેલ્લા એક વર્ષમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ અને સરવેના ગણતરીના જ કેસ કરવામાં આવ્યા છે. ત્યારે પરિસ્થિતિમાં સુધારો થયા બાદ પુરજોશમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની વિગતો જાણળા મળી છે.

(11:59 am IST)