Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હિલસ્ટેશનો જ નહિ મોટા શહેરોમાં પણ કોરોના પ્રોટોકોલનો ઉલાળીયો

બીજી લહેરનો લોકોએ બોધપાઠ નથી લીધોઃ ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ : આર્થિક પ્રવૃતિ શરૂ થતા જ લોકો કોરોનાને ભુલ્યાઃ બજારોમાં થવા લાગી ભીડઃ માસ્કનું કહેવું પડે છેઃ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ

નવી દિલ્હી, તા.૯: દેશભરમાં કોરોના કેસમાં ઘટાડાની સાથે રાજયોએ આર્થિક ગતિવિધીઓ શરૂ કરી છે. વારંવાર કોવિડ નિયમો જેમ કે સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવા કહેવામાં આવે છે પણ ત્રીજી લહેરના ખતરા છતાં લોકો કોઇ સબક નથી લઇ રહયા. ચોમાસું મોડું થવાથી ઉત્તર ભારતમાં જોરદાર ગરમી પડી રહી છે. તેના કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના પહાડી શહેરોમાં લોકોની ભીડ ઉભરાઇ રહી છે. સોશ્યલ મીડીયા પર માસ્ક પહેર્યા વગરના લોકોની ભારે ભીડના ભયાનક દ્રશ્યો જોવા મળી રહયા છે. કોરોના નિયમોનું ઉલ્લંઘન ફકત પહાડો પર જ નહીં, મહાનગરોમાં પણ થઇ રહયું છે.

બીજી લહેરનો બોધપાઠ નથી લીધો

ચેન્નઇઃ તમિલનાડુ ધીમે ધીમે અનલોક થઇ રહયું છે અને લોકો કોવિડ-૧૯ પ્રોટોકોલના ભૂક્કા બોલાવી રહયા છે. ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશને ૯ એપ્રિલ થી ૬ જુલાઇ દરમ્યાન કોરોના પ્રોટોકોલના ભંગ માટે ૫૯૦૭ કંપનીઓ ૨૯,૦૯૬ વ્યકિતઓ પર ૩.૧૮ કરોડનો દંડ કર્યો હતો. તમિલનાડુ હજુ તો બીજી લહેરમાંથી ધીમે ધીમે બહાર આવી રહયું છે. ૭ જુલાઇએ રાજયમાં ૩૩૬૭ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૩૩૧૯૬ મોત થઇ ચૂકયા છે પણ લોકો તેમાંથી કંઇ શીખ્યા નથી.

મુંબઇઃ મુંબઇ ફરીથી પાટે ચડી રહયું છે જો કે મોલ, મલ્ટીપ્લેકસ હજુ નથી ખુલ્યા પણ બજારોમાં અને જાહેર જગ્યાઓએ ભીડ જોવા મળી રહી છે. સુપર સ્પ્રેડર બનવાના ભયના કારણે લોકલ ટ્રેનો હજુ શરૂ નથી કરાઇ. અત્યાર સુધીમાં બીએમસીએ મુંબઇ પોલિસ અને રેલ્વે સાથે મળીને માસ્ક ન પહેરવા બાબતે પપ કરોડ રૂપિયાથી પણ વધારે દંડ વસૂલ્યો છે.

દિલ્હીઃ દિલ્હીમાં પણ પરિસ્થિતી એવી જ છે. કોરોના પ્રોટોકોલના ભંગ પછી લક્ષ્મીનગર, લાજપતનગર અને નાંગલોઇમાં બજારો બંધ કરાવ્યા છતાં પણ લોકો નથી સુધર્યા. દિલ્હીના સૌથી જૂના હાર્ડવેર બજાર અજમેરી ગેટ પર ખુલ્લેઆમ કોરોના નિયમોનો ભંગ થઇ રહયો છે કરોલબાગ બજારમાં દુકાનદારોથી માંડીને ગ્રાહકો સુધી કોઇએ પણ માસ્ક નહોતા પહેર્યા.

(11:58 am IST)