Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

દર સાતમાંથી એક મોત અમેરિકામાં

માણસખાંઉ કોરોના વિશ્વમાં ૪૦ લાખ લોકોને ભરખી ગયો

૧૯૮ર બાદ વિશ્વમાં થયેલા બધા પ્રકારના યુધ્ધમાં માર્યા ગયેલા લોકોની બરાબર મૃત્યુ થયાઃ મોતનો આંકડો લોસ એન્જલસ કે જર્યોર્જીયાની વસ્તી જેટલો

વોશીંગ્ટન તા. ૯ :.. વિશ્વમાં કોવિડ-૧૯ નો મૃત્યુઆંક ૪૦ લાખ થયો છે. ડેલ્ટા વેરિયન્ટના વધી રહેલા કેસ વચ્ચે મોટા ભાગના દેશોમાં વેકિસનેશન ઝૂંબેશ પણ ઝડપી બની છે, જહોન હોપકિન્સ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા સંકલિત છેલ્લા દોઢ વર્ષમાં થયેલા મૃત્યુનો આંકડો ૧૯૮ર થી વિશ્વમાં થયેલા તમામ યુધ્ધમાં મૃત્યુ પામેલા લોકો જેટલો છે. જયારે વિશ્વમાં  દર વર્ષે ટ્રાફીક અકસ્માતોમાં થતી જાનહાનીની તુલનામાં કોરોનાનો મૃત્યુઆંક ત્રણ ગણો છે. કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા લોસ એન્જેલસ અથવા જયોર્જિયાની વસ્તી જેટલી છે. તે હોંગકોંગના વસ્તીના પ૦ ટકાથી વધુ અને ન્યુયોર્ક સીટીની વસ્તીના લગભગ પ૦ ટકા જેટલી છે.

કોવિડ-૧૯ ના આટલા મોટા મૃત્યુઆંક છતાં એવું મનાય છે કે, મૃત્યુનો આંકડો વાસ્તવિક મોત કરતાં ઓછો છે. જેનું કારણ સંક્રમણ પકડાયું ન હોય અથવા ઇરાદાપૂર્વક કેસ છૂપાવ્યા હોવાનું શકય છે. જો કે, વેકિસનેશનનો એક ફાયદો ઊંડીને આંખે વળગે તેવો છે.

કોરોનાથી થયેલા દૈનિક મૃત્યુની સંખ્યા ઘટીને ૭,૯૦૦ થઇ છે. જે જાન્યુઆરીમાં દૈનિક ૧૮,૦૦૦ હતી. જો કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ડેલ્ટા વેરિયન્ટને કારણે સમગ્ર વિશ્વમાં સતર્કતા વધી છે. અમેરિકા, બ્રિટન અને ઇઝરાયેલમાં આ વાઇરસ ઝડપથી ફેલાયો છે. બ્રિટનમાં તો જાન્યુઆરી પછી પહેલી વખત ચાલુ સપ્તાહે રોજના ૩૦,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. અન્ય દેશોએ ફરી નિયંત્રણ લાગુ કર્યા છે અને સત્તાવાળા વેકિસનેશનની ઝડપ વધારવા સક્રિય બન્યા છે. જો કે, વેકિસનની અછતના કારણે આફ્રિકા અને અન્ય ગરીબ દેશોમાં વેકિસનેશનની ગતિ બહુ ધીમી છે. અમેરિકા અને અન્ય સમૃધ્ધ દેશોએ આવા દેશોને વેકિસનના ઓછામાં ઓછા એક અબજ ડોઝ ફાળવવા સંમતિ દર્શાવી છે.

જો કે ડબલ્યુએચઓ.નું કહેવું છે કે મહામારી ખતરનાક સ્થિતિમાં છે ૪૦ લાખનો આંકડો વાસ્તવિક સંખ્યાથી ઓછો છે કારણ કે અનેક સ્થળે સાચી માહિતી નથી અપાતી.

સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. મૃત્યુઆંક ૬ લાખથી વધુ છે. દર ૭ માંથી ૧ મોત અમેરિકામાં નોંધાયેલ છે. તે પછી તા. પ,ર૦,૦૦૦ બ્રાઝીલ છે.

(11:14 am IST)