Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હવામાન બદલાતા ભારતમાં દર વર્ષે ૭ લાખથી વધુ લોકોના મોત થાય છે : સૌથી વધુ શિયાળામાં

ગ્લોબલ વોમિંગને કારણે વધુ ઠંડી અને વધુ ગરમી પડી રહી છે : અસામાન્ય તાપમાનથી વિશ્વમાં થઇ રહ્યા છે ૫૦ લાખથી વધુ મોત

નવી દિલ્હી,તા. ૯ : ભારતમાં અસામાન્ય ઠંડી અને ગરમીને કારણે દર વર્ષે લગભગ ૭,૪૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વમાં સૌથી વધુ ઠંડી અને ગરમી પડી રહી છે.

ધરાનો તાવ એટલે કે ગ્લોબલ વોર્મિગની સમસ્યા દિનપ્રતિદિન મસમોટા પડકારરૂપ બનતી જાય છે. ભારતમાં દર વર્ષે લગભગ ૭.૪૦ લાખ લોકો કાતિલ ઠંડી કે પછી લૂ વરસાવતી એટલે કે આસમાને પહોંચતા તાપમાનથી જીવ ગુમાવતા હોય છે. મોસમનો બદલાતો મિજાજ પણ કેટલો દ્યાતકી હોઈ શકે છે, તેનો અંદાજ પણ આ વાત પરથી મળી શકે છે. મેડિકલ જર્નલ લેંસેંટના એક અભ્યાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીની ટીમને જાણવા મળ્યું હતું કે દુનિયાભરમાં અસામાન્ય તાપમાનના કારણે ૫૦ લાખથી વધુના મૃત્યુ થઈ રહ્યા છે. તેની ગંભીરતાનો તાગ એ વાત પરથી પણ મેળવી શકાય છે કે મૃત્યુનો આ આંકડો કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં થયેલા કુલ મૃત્યુના આંકથી પણ વધારે છે.

સ્ટડી મુજબ તમામ દેશોમાં ૨૦૦૦થી ૨૦૧૯ના દરમિયાન ધરાના ધખારાના કારણે થનારા મૃત્યુમાં વધારો થયો છે. એથી ગ્લોબલ વોર્મિંગથી ભવિષ્યમાં મૃત્યુનો આંકડો હજુય વધશેની સંભાવના નિષ્ણાતોએ વ્યકત કરી છે. ભારતમાં કાતિલ શીતલહેરના કારણે વાર્ષિક ૬,૫૫,૪૦૦ મૃત્યુ થાય છે. જયારે ગરમ તાપમાનથી સંકળાયેલા મૃત્યુની સંખ્યા લગભગ ૮૩,૭૦૦ છે. ટીમે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૯ના દરમિયાન મૃત્યુ દર અને તાપમાનનો અભ્યાસ કર્યો, જે સમયગાળામાં વૈશ્વિક તાપમાનમાં પ્રતિ દાયકામાં ૦.૨૬ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

(10:28 am IST)