Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વરૂણ ગાંધીને ન મળી કેબિનેટમાં જગ્યા, મેનકા ગાંધીએ કહ્યું- ભ્પ્ મોદી કેટલાને સ્થાન આપે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પહેલા કાર્યકાળમાં મેનકા ગાંધી પાસે બાળ વિકાસ મંત્રાલય હતું

નવી દિલ્હી, તા.૯: કેન્દ્રીય કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં નવી ટીમે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. કેબિનેટ વિસ્તારમાં ઉત્તર પ્રદેશથી વરૂણ ગાંધીને સ્થાન આપવામાં આવશે તેવી આશા હતી પરંતુ તેમ ન બન્યું. ત્યારે હવે આ મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે.

મેનકા ગાંધીના કહેવા પ્રમાણે સંસદમાં ૬૦૦-૬૫૦ જેટલા સાંસદ છે, આ સંજોગોમાં વડાપ્રધાન કેટલાને સ્થાન આપે. જેને પણ સ્થાન મળ્યું છે તે સારા છે. મેનકા ગાંધી ૨ દિવસ માટે સુલ્તાનપુરના પ્રવાસે છે જયાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં મેનકા ગાંધી પાસે બાળ વિકાસ મંત્રાલય હતું, પરંતુ બીજા કાર્યકાળમાં તેમને મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું.

થોડા સમયમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ કારણે વરૂણ ગાંધીને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી આશા હતી. જોકે તેમ ન બન્યું, પરંતુ જે નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે તેમાંથી ૭ યુપી સાથે સંકળાયેલા છે.

સાંસદ મેનકા ગાંધીએ વિકાસ ભવન ખાતે બેઠક કરી હતી અને ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં લોકોએ દળગત રાજકારણથી ઉપર આવીને મતદાન કર્યું તે ખૂબ જ આનંદની વાત છે. બધાએ એક સારી વ્યકિતને મત આપ્યો છે અને મને આશા છે કે આપણા નવા જિલ્લા પંચાયત અધ્યક્ષ ક્ષેત્ર માટે વધુ સારા કામ કરશે. મેનકા ગાંધીએ કહ્યું કે, ગઈ વખતે પણ તેમને ઉત્તર પ્રદેશની સૌથી સારી જિલ્લા પરિષદ અધ્યક્ષ તરીકે પુરસ્કાર મળ્યો હતો.

પ્રાઈવેટ શાળાઓ દ્વારા વસૂલવામાં આવી રહેલી ફીને લઈને મેનકા ગાંધીએ જણાવ્યું કે, તેમણે જિલ્લઅધિકારી સાથે વાત કરી છે કે જો તેમાં કોઈ રાહત મળે તો તે પરિવારજનો માટે સારૂ રહેશે.

(10:23 am IST)