Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

માની હત્યા કરી શરીરના અંગો કાઢવાનું રાક્ષસી કૃત્ય કરનારા પુત્રને મોતની સજા

યુવક નરભક્ષી હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતીઃ જયારે આરોપીને પકડવામાં આવ્યો ત્યારે એની માતાના અંગોમાં મીઠુ, તેલ અને મરચુ લાગેલુ હતું અને આરોપીના મોં પર લોહી લાગ્યુ હતુ : હત્યારો પુત્ર દારૂનો વ્યસની હતો, દારૂ માટે મા પાસે પૈસા માંગ્યા હતા : માતાએ દારૂના પૈસા આપવાની ના પાડી તો પુત્રએ માતાની નિર્મમ હત્યા કરી શરીરના અંગો કાઢી લીધા : કોલ્હાપુરની એક કોર્ટે પરિસ્થિતિને આધારે પુત્રને આરોપી જાહેર કરી મોતની સજા સંભળાવી

મુંબઇ,તા. ૯: મહારાષ્ટ્રના કોલ્હાપુરની એક અદાલતે માની બર્બરતાથી હત્યા કરવાના કેસમાં ૩૫ વર્ષના પુત્રને મોતની સજા સંભળાવી છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ મહેશ જાધવે આ કેસને નિર્મમ અને વિકૃત કેસ ગણાવી હત્યારા પુત્રને મોતની સજા સંભળાવી હતી.

માહિતી અનુસાર આરોપી યુવકે એની ૬૨ વર્ષની માતાની નિર્મમ હત્યા કરી શરીરમાંથી બધા અંગો કાઢી નાંખ્યા હતા. કોર્ટમાં યુવક નરભક્ષી હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી, કારણ કે જયારે આરોપીને પકડવામાં આવ્યો ત્યારે એની માતાના અંગોમાં મીઠુ, તેલ અને મરચુ લાગેલુ હતું અને આરોપીના મોં પર લોહી લાગ્યુ હતું.

કોર્ટમાં વકીલે કહ્યું કે, આ ઘટના ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ કોલ્હાપુરના મકડવાલા વસાહતની હતી. હત્યારો પુત્ર દારુનો વ્યસની હતો અને દ્યટનાના દિવસે તેણે એની મા પાસેથી દારુના પૈસા માંગ્યા હતા પરંતુ તેની માતાએ પૈસા આપવાની ના પાડતાં હત્યારા પુત્રએ તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યા પછી તેણે રાક્ષસી કૃત્યને અંજામ આપતાં મૃતદેહના અંગો બહાર કાઢ્યા હતા.

કોર્ટે સુનવણી દરમિયાન જણાવ્યું કે આ કેસમાં ૧૨ સાક્ષીઓની પૂછપરછ અને કોઇ આંખે દેખનાર સાક્ષીના અભાવે પરિસ્થિતિના આધારે તેને હત્યારો જાહેર કરવામાં આવે છે. જે પછી કોર્ટે તેને મોતની સજા સંભળાવી હતી.

(10:20 am IST)