Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

બ્રિટનમાં રેસ્ટોરન્ટમાં જમવાના બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ : હોસ્પિટાલિટી અને ટુરિઝમ પર વેટ ઘટાડી 20 ટકાથી 5 ટકા કરાયો

નાણાં પ્રધાન રીશી સુનકે અર્થતંત્રને બેઠું કરવા માટે 33 અબજ યૂરો (277 અબજ રૂપિયા)ના આર્થિક પેકેજની જાહેરાત કરી

લંડનઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વની કેડ ભાંગી નાંખી છે. શક્તિશાળી કહેવાતા દેશોમાં પણ મંદીના ડાકલા થઇ રહ્યા છે. ત્યારે બ્રિટનની સરકારે 4 મહિનાથી લોકડાઉનમાં સપડયેલા અર્થતંત્રને બેઠું કરવા માટે રેસ્ટોરન્ટમાં જમવાના બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

 

બિર્ટનના નાણામંત્રી ઋષિ સુનકે “Eat Out to Help Out” એટલે મદદ કરવા માટે બહાર જમો સ્કિમ સહિત 277 અબજ રુપિયાના જંગી પેકેજની જાહેરાત કરી. હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર પરનો વેટ પણ 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે. મીની બજેટ કહેવાતું આ પેકેજ 6 મહિના સુધી લાગુ રહેશે.

ઋષિ સુનકે કહ્યુ કે ઓગષ્ટ મહિનાથી રેસ્ટોરન્ટમાં ભોજન કરનારા લોકોને બિલમાં 50 ટકાની છુટ મળશે અને આ છુટ ગમે તેટલી વખત ભોજન કરે તો પણ મળશે. જો કે વ્યક્તિદીઠ 10 પાઉન્ડના બિલની મર્યાદા છે. ઉપરાંત દારુ-શરાબ માટે ડિસ્કાઉન્ટ નહીં મળે. આ યોજના સપ્તાહના ત્રણ દિવસ સોમવારથી બુધ સુધી લાગૂ રહેશે. બ્રિટિશ સરકારે હોસ્પિટાલિટી સેક્ટરને બેઠુ કરવા માટે આ પ્રકારની યોજના જાહેર કરી છે. અન્ય અર્થતંત્ર સહાયક પગલાંમાં હોસ્પિટાલિટી અને પર્યટન ઉદ્યોગના વ્યવસાયો માટે વેટમાં ઘટાડો, યુવાનો માટે ‘કિકસ્ટાર્ટ’ નોકરીની યોજના અને કામ પર પાછા ફરતા કામદારો માટે બોનસનો સમાવેશ થાય છે.

ભોજન સ્કિમનું કારણ અને તેની વિશેષતામાં  આ યોજનામાં રેસ્ટોરન્ટ, કાફે, પબ કે ખાદ્ય પદાર્થ પિરસતી સંસ્થામાં વ્યકિતદીઠ 10 પાઉન્ડની મર્યાદામાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ ગમે તેટલી વખત કંઇ પણ ખાવા પર મળશે. પરંતુ આલ્કોહોલિક પીણામાં નહીં મળે.યોજનાનો ઉદ્દેશ્ય 1.30 લાખ ઉદ્યોગને ટેકો આપવા અને 180 લાખ કામદારોની નોકરીને રક્ષણ આપવાનો છે.બ્રિટનમાં માર્ચ 2020થી ફૂડ અને અવાસી ક્ષેત્રના 140 લાખ કર્મીઓ રજા પર છે.જથ્થાબંધ અને રિટેઇલ ક્ષેત્રે પણ 160 લાખ કર્મી ઘેર બેઠા છે.

ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઉત્તર આયરલેન્ડ સહિત સમગ્રમાંબ્રિટનમાં શનિવારથી પબ-બાર, રેસ્ટોરન્ટ અને કાફે ખુલવા જઈ રહ્યા છે. જો કે સાવચેતીના તમામ પગલાં લેવાના રહેશે. જેમાં મર્યાદિત ક્ષમતા, સૂચનાવાળા સ્ક્રિન્સ અને ફરજિયાત ટેબલ સેવાનો સમાવેશ થાય છે.

(11:23 pm IST)