Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વિકાસ દુબેની પત્ની, નાના પુત્ર અને નોકરને લખનૌથી દબોચી લેવાયા

ઘટના બાદ વિકાસની પત્ની પણ નાના પુત્રને લઇ ભાગી ગઇ હતી :સીસીટીવી ફૂટેજના આધારે લોકેશન ટ્રેસ થયું

લખનૌ : કાનપુરમાં 8 પોલીસ કર્મીઓની હત્યા કરી ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબે સવારે ઉજ્જૈનમાંથી પકડાયો. જ્યારે તેની પત્ની અને નાના પુત્રને પણ સાંજે પોલીસે લખનઉથી ઉપાડી લીધા છે  મોટો પુત્ર આકાશ વિદેશમાં ભણી રહ્યો છે.
   પોલીસે જણાવ્યું કે વિકાસની પત્ની ઋચા અને નાના પુત્રની લખનઉના કૃષ્ણનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમને અહીંના નારાયણ પુરી મહોલ્લાના એક ખાલી પ્લોટની પાસેથી પકડવામાં આવ્યા. જ્યારે નોકર ભાગી રહ્યો હતો પરંતુ પોલીસે દોડીને તેને દબોચી લીધો હતો. હવે ત્રણેયને કાનપુર લઇ જવાની તૈયારી થઇ રહી હતી

 રિપોર્ટ મુજબ ઋચા ઉર્ફે સોના કૃષ્ણનગરમાં જ પોતાના એક ઓળખીતાને ત્યાં હતી. વિકાસ દુબે ફરાર થયા બાદ ઋચા પણ નાના પુત્ર અને નોકર સાથે કાનપરમાં પોતાની ઘરેથી ભાગી ગઇ હતી. જેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે. પરંતુ આ અંગે કોઇ કંઇ કહેવા તૈયાર નથી. અલબત્ત ત્યારથી પોલીસ ઋચાને ટ્રેસ કરી રહી હતી અને તેમનું લોકેશન કૃષ્ણનગર, લખનઉ મળતા જ પોલીસ હરકતમાં આવી ગઇ હતી.

 કાનપુર પાસેની ગામમાં 8 પોલીસ કર્મીઓની હત્યા કર્યા બાદ વિકાસ દુબે ભાગી ગયો હતો. મંગળવારે તે ફરિદાબાદમાં બે સ્થળે સીસીટીવીમાં જોવા મળ્યો હતો. તેને પકડવા માટે ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતની પોલીસ પણ શોધખોળ કરી રહી હતી.

(11:11 pm IST)