Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભારત-ચીને અંકુશ રેખા ઉપર અસરકારક પગલા લીધા : ચીન

લદાખમાં ધીરેધીરે તંગદીલીમાં ઘટાડો : આગામી અઠવાડિયે બન્ને દેશો વચ્ચે લશ્કરના કોર કમાંડર સ્તરની વાટાઘાટો : બંને પક્ષે શસ્ત્ર સરંજામ પાછા ખેંચ્યા

બેઇજિંગ, તા. : ભારત-ચીન વચ્ચે પૂર્વી લદાખમાં કેટલાક મહિનાથી ચાલી રહેલી તંગદિલીમાં હવે ઘટાડો થવા લાગ્યો છે. ચીને ગુરુવારે કહ્યું છે કે બન્ને દેશોની સરહદ પર સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. બન્ને દેશોની સેના શાંતિ અને સ્થિરતા માટે પગલાં લઇ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સેનાના ટોચના અધિકારી અને એનએસએ અજિત દોવાલ તેમજ ચીનના વિદેશ મંત્રી વચ્ચેની વાતચીત બાદથી ભારત-ચીનના સૈનિકો પાછા ખસવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાંથી ચીની સૈનિકો સંપૂર્ણરીતે પાછા ખસી ગયા છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીને સરહદી મામલા પર પરામર્શ અને સમન્વય માટે કાર્ય તંત્ર હેઠળ ભારત સાથે વાતચીતનો નવો દોર શરૂ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને ગુરુવારે કહ્યું છે કે 'કમાંડર સ્તરની વાર્તામાં સંમતિ સાધવા બાદ ભારત-ચીનના સૈનિકોએ ગલવાન ખીણ અને અન્ય સરહદી વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખસવા માટે અસરકારક પગલા લીધા છે.

            ' તેમણે ઉમેર્યું કે 'સરહદ હાલાત સ્થિર છે અને સુધારો થઇ રહ્યો છે. બન્ને પક્ષોમાં સૈન્ય અને રાજકીય ચેનલો થકી વાતચીત જારી રહેશે, જેમાં સરહદ મામલો પર ડબલ્યુએમએમસીની બેઠક પણ સામેલ છે. આશા છે કે ભારત નક્કર કાર્યવાહી કરવા માટે અમારી સાથે મળીને કામ કરશે અને સધાયેલી સંમતિથી કામ કરશે. આની સાથે સરહદ પર તંગદિલી ઘટાડવા માટે કામ કરશે.' અગાઉ ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને ચીન દ્વારા એકસાથે વિસ્તારમાં બે મહિનાની તંગદિલીભરી સ્થિતિનો અંત લાવવાના પોતાના નિર્ણયની જાહેરાતના એક દિવસ બાદ તેના સૈનિકોએ ગલવાન ખીણમાંથી પાછા ખસવાની શરૂઆત કરી દીધી હતી. નવી દિલ્હીમાં હિલચાલ સાથે પરિચિત લોકોએ કહ્યું હતું કે બન્ને દેશોની સેનાઓ આગામી થોડાક દિવસોમાં સંયુક્ત ચકાસણી હાથ ધરે તેવી શક્યતા છે. લેહ આવેલી કોર્પ્સના કમાંડર લેફ્ટેનન્ટ-જનરલ હરિન્દર સિંઘ અને તેમના ચીની સમકક્ષ લેફ્ટેનેન્ટ-જનરલ ક્સૂ કિલિંગ વચ્ચે આગામી અઠવાડિયે વાટાઘાટોનો આગામી તબક્કો યોજાય તેવી શક્યતા છે. બન્ને દેશોના અધિકારીઓ લડાખમાં વાસ્તવિક અંકુશ રેખાની ફરતે વિવાદિત ઝોનોમાં રહેતા સેના વચ્ચેના ઘર્ષણનું જોખમ ઘટાડવા અંગે વાતચીત કરે તેમ છે તેમ ટોચના સુત્રોનું કહેવું છે.

(10:02 pm IST)