Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

બિહારમાં મુખ્યમંત્રી આવાસ સાથે સંકળાયેલા ૨૪ કોરોના પોઝિટિવ

મુખ્યમંત્રી નીતીશ કુમારની ભત્રીજીનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો : મુખ્યમંત્રી નીતીશ કુમારનો પણ કોરોના રિપોર્ટ કરાયો હતો : શનિવારના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો

પટણા, તા. : બિહારમાં મુખ્યમંત્રી આવાસ સાથે સંકળાયેલા ૨૪ લોકો કોરોનાના ચેપની લપેટમાં આવી ચૂક્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની ભત્રીજીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી હાઉસ સાથે સંકળાયેલા ૫૦૦ જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. નીતીશ કુમારની ભત્રીજીને એમ્સ પટનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ પરત મુખ્યમંત્રી આવાસ પર આવી ગયા છે. ડોક્ટર્સની સલાહથી તેઓ હવે હોમ કોરેન્ટાઈન રહેશે. નોંધનીય છે કે સોમવારના રોજ મુખ્યમંત્રીની ભત્રીજીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા પટનાની હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાભ હતા. ત્યારબાદ મુખ્યમંત્રીનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

         શનિવારના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બિહાર વિધાન પરિષદના નવ નવા ચૂંટાયેલા સભ્યોમાં એક જેડીયૂ નેતા ગુલામ ગૌસ પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયાની પુષ્ટી થઈ છે. દરમિયાન પટનામાં કોરોના વાયરસના કેસોમાં અચાનકથી વધારો જોવા મળતા ૧૦-૧૬ જુલાઈ સુધી પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જરૂરી સેવાઓને બાદ કરતા રાજ્યના પાટનગરમાં લોકડાઉન દરમિયાન બજાર, ઓફિસો અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.

(7:32 pm IST)