Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પાકિસ્તાનમાં કોરોના બેલગામ : ૪૦ સાંસદો - ધારાસભ્યોને વળગ્યો

હોસ્પિટલોમાં કોઇ સુવિધા - રક્ષણ નથી : ડોકટરોમાં મોટો ફફડાટ : લોકોમાં સરકાર વિરોધી પ્રચંડ રોષ : મોટી સંખ્યામાં રોજ કેસો વધે છે

ઇસ્લામાબાદ તા. ૯ : પાકિસ્તાનમાં રોજ હજારોને કોરોના વળગી રહ્યો છે ત્યારે કોરોના જ્યાં ખૂબ પ્રસર્યો છે તેવા ઇરાન સાથેની તમામ સરહદો ખૂલ્લી મુકી દીધાનું ઇમરાન ખાન સરકારે જાહેર કર્યું છે. પાકિસ્તાનના રાજ્ય આરોગ્ય પ્રધાન ઝફર મિર્ઝા પણ કોરોનામાં લપેટાયા છે. પાક. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને રેલમંત્રી પણ ઝપટમાં આવી ગયા છે. કુલ ૪૦થી વધુ સાંસદો - ધારાસભ્યોને કોરોના થયો છે.

પીટીઆઇ પક્ષના ૧૫ સાંસદોને કોરોના થયો છે. રાષ્ટ્રીય સંસદના સ્પીકર અસદ કૈસર, માદક પદાર્થ નિયંત્રણ રાજ્ય પ્રધાન શહરયાર ખાન અફ્રીદી અને સિંઘના ગવર્નર ઇમરાન ઇસ્માઇલને પણ કોરોના વળગ્યો છે. તેમના પક્ષના બે ધારાસભ્યો શાહિન અને જમશેદુદીન કાકાખેલનો કોરોના જીવ લઇ ચૂકયો છે. લગભગ ૨ાા લાખ લોકોને પાકિસ્તાનમાં કોરોનાનો ચેપ લાગ્યો છે અને ૫ હજાર ઉપર મોત થયા છે. રોજેરોજ સેંકડો કેસ વધે છે.

પાકિસ્તાનમાં કોરોનાની સારવાર અને આઇસોલેશન વોર્ડની સવલતો ખાસ છે નહિ. હોસ્પિટલોમાં સ્થિતિ એટલી હદે ભયંકર છે કે ડોકટરો ભયના માર્યા ઘરમાં પૂરાઇ રહે છે. લોકોમાં ઇમરાન સરકાર વિરૂધ્ધ ભયાનક રોષ છે.

(10:10 am IST)