Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કૌભાંડી નીરવની ૩૩૦ કરોડની સંપત્તિ જપ્ત

ઇડીએ અત્યાર સુધીમાં પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ નીરવ મોદીની ૨,૩૪૮ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી છે

નવી દિલ્હી, તા.૯: ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની ૩૨૯.૬૬ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું.

નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત અન્ય કેટલાક વિરુદ્ઘની નાણાંની ગેરરીતિના આક્ષેપ સંબંધમાં ઇડી દ્વારા તપાસ ચાલી રહી છે. તેમના દ્વારા દક્ષિણ મુંબઈ ખાતેની પંજાબ નેશનલ બઙ્ખન્ક ખાતે બે અબજ ડોલરનું કથિત કૌભાંડ કરવામાં આવ્યું હતું.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'જપ્ત કરવામાં આવેલી સંપત્ત્િ।માં વરલી ખાતેની સમુદ્ર મહલ નામના બિલ્ડિંગમાં આવેલા ચાર ફ્લેટ, અલીબાગમાં સી-સાઇડ ફાર્મહાઉસ તથા જમીન, જેસલમેરમાં વિન્ડ મિલ અને લંડનમાં ફ્લેટ તેમ જ યુએઇમાં ફ્લેટો તેમ જ શેર્સ તથા બેન્ક ડિપોઝિટોનો સમાવેશ છે. આ સંપત્તિ એફઇઓ એકટ, ૨૦૧૮ હેઠળ જપ્ત કરાઈ છે.'

મુંબઈની એક ખાસ અદાલતે ૮ જૂને ઇડીને નીરવની અસ્કયામતો જપ્ત કરવાની સત્તા આપી હતી. ગયા વર્ષે પાંચમી ડિસેમ્બરે આ જ અદાલત દ્વારા નીરવને ભાગેડું આર્થિક ગુનેગાર ઘોષિત કરવામાં આવ્યો હતો.

૪૯ વર્ષીય નીરવ મોદી હાલમાં ઇંગ્લેન્ડની જેલમાં છે. માર્ચ, ૨૦૧૯માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે યુકેની અદાલતમાં ભારત ખાતે તેનો દેશ નિકાલ કરવાને લગતી ભારતની અરજી સામે લડી રહ્યો છે.

(10:09 am IST)