Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અર્થતંત્રની ગાડી ફરી પાટેઃ લોકડાઉન પહેલાની સ્થિતિમાં પહોંચી

સર્ચ એન્જીન ગુગલનો રીપોર્ટઃ અર્થવ્યવસ્થાના ૬ મોરચે મળ્યા શુભ સંકેતોઃ ડીમાન્ડમાં આવ્યો વેગઃ ૧લી જૂનથી અર્થતંત્ર ફરી દોડતુ થયું: કરીયાણુ, દવા, ઈંધણ, રીટેલ, ટ્રાન્સપોર્ટ, હાઉસીંગ સહિતના સેકટરમાં નીકળી ખરીદીઃ બેરોજગારીનો દર ઘટયોઃ જીએસટી સંગ્રહ વધ્યોઃ ઈંધણનો વપરાશ પણ વધી ગયો

નવી દિલ્હી, તા. ૯ :. દેશની અર્થવ્યવસ્થા પહેલાની જેમ (લોકડાઉનથી પહેલા) સામાન્ય થવાની રાહ પર પાછી ફરી છે. સર્ચ એન્જીન ગુગલની ગતિશીલતા ટ્રેન્ડથી આ માહિતી મળી છે. ગુગલના કોવિડ-૧૯ કોમ્યુનિટી મોબીલીટી રીપોર્ટ અનુસાર અર્થવ્યવસ્થાના ૬ મોરચે એ બાબતના સંકેતો મળ્યા છે કે ડીમાન્ડમાં વેગ આવ્યો છે. જેમાં રીટેલ અને મનોરંજન, કરીયાણુ અને દવા, ટ્રાન્સપોર્ટ હબ, પાર્ક, કાર્ય સ્થળો, હાઉસીંગ સેકટરમાં ગતિશીલતા સામેલ છે. રીપોર્ટ અનુસાર ૧લી જૂનથી વિવિધ પ્રવૃતિઓના સ્તરમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભારતે ૮મી જૂનથી લોકડાઉનમાં છૂટછાટ આપી પોતાની અર્થવ્યવસ્થાને ખોલવાનું શરૂ કર્યુ હતું કે જેથી આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમતી થાય.

ગુગલ તરફથી મેળવવામાં આવેલ ડેટા અનુસાર કરીયાણાના સામાન અને દવા જેવી આવશ્યક વસ્તુઓની ડીમાન્ડ કોરોનાકાળથી પૂર્વના સ્તરને ફરીથી સ્પર્શ કરી ચુકી છે. જે નાણા મંત્રાલયના અનુમાન સાથે મેળ ખાય છે. જેમા જણાવાયુ હતુ કે લોકડાઉનમાં ઢીલ આપ્યા પછી ફરી એક વખત અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો જોવા મળશે. આની સાથે જ મહત્વના આર્થિક માપદંડો બતાવતા ઈંધણ, વિજળીનો વપરાશ અને રીટેલ નાણાકીય લેવડ-દેવડમાં મોટો સુધારો જોવા મળશે.

કોરોના સંકટ અને લોકડાઉનને કારણે દેશમાં પેટ્રોલીયમ પ્રોડકટનો વપરાશ ૨૦૦૭ પછી સૌથી ઘટી ગયો હતો પરંતુ હવે તેમા ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ઈંધણની માંગ ગયા મહિને ૮૮ ટકા સુધી પહોંચી ગઈ છે. એ સાથે જ રસ્તા નિર્માણમાં પણ અગાઉના વર્ષની સરખામણીમાં ૩૨ ટકાનો વધારો થયો છે. જુલાઈમાં મોટા વધારાની ઉમ્મીદ રાખવામાં આવે છે.

ગુગલના ગતિશીલતા ટ્રેન્ડ અનુસાર કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ મહારાષ્ટ્ર, તામીલનાડુ અને દિલ્હીમાં હજુ સુધારાની રફતાર ધીમી છે કારણ કે ત્યાં સંક્રમણના મામલામાં ઘટાડો થયો નથી. આ રાજ્યોમાં કરીયાણા અને ફાર્મસીની દુકાનો પર ખરીદીની રાષ્ટ્રીય સરેરાશ ઘણી ઓછી છે. રાષ્ટ્રીય સરેરાશના મુકાબલે દિલ્હીમાં ૨૬ ટકા, જ્યારે મહારાષ્ટ્ર અને તામીલનાડુમાં અનુક્રમે ૨૫ અને ૨૨ ટકાનો ઘટાડો ગ્રાહકોની સંખ્યામાં જોવા મળ્યો છે.

જૂન મહિનામાં જીએસટી કલેકશન પણ વધીને ૯૦૯૧૭ કરોડ રૂપિયા થયુ છે, તો ૩ જુલાઈના રોજ પુરા થયેલા સપ્તાહ દરમિયાન બેરોજગારીનો દર પણ ઘટીને ૮.૯ ટકા પર આવી ગયો છે. મે ૨૦૨૦માં તે વધીને ૨૩.૫ ઉપર પહોંચ્યો હતો. આ જ પ્રકારે કારના વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

(10:05 am IST)