Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

દિલ્હીમાં ભાજપ સંસદીય દળની મહત્વની બેઠક પૂર્ણ

સાંસદોને પદયાત્રા કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ : સાંસદો પદયાત્રામાં ગાંધીજી અને સ્વતંત્રતા સંગ્રામ પર કાર્યક્રમો, વૃક્ષારોપણ કરશે : દરેક ક્ષેત્રોમાં ટીમ બનાવાશે

નવી દિલ્હી, તા. ૧૦ : દિલ્હીમાં મંગળવારે ભારતીય જનતા પાર્ટી સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આ પહેલા ૨જી જુલાઈએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બન્ને ગૃહોના અંદાજે ૩૮૦ સાંસદોના કામ માટેનો એજન્ડા નક્કી કર્યો છે. બેઠક શરૂ થયા પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓએ પીએમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગાંધી જયંતીથી પટેલ જયંતી સુધી (૨ ઓક્ટોબર સુધી ૩૧ ઓક્ટોબર) સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં ૧૫૦ કિમીની પદયાત્રા કરે. જેના માટે અલગ-અલગ ગ્રુપ બનાવે અને સાંસદ એક દિવસ એક ગ્રુપ સાથે પદયાત્રા કરશે. જેમાં ભાજપના ધારાસભ્ય, કાર્યકર્તા તમામ સામેલ થશે. રોજ ૧૫ કિમીની પદયાત્રા કરશે અને તમામ બૂથ કવર કરશે. પદયાત્રીઓના માધ્યમથી ગાંધીજીના વિચારો, શિક્ષાઓનો પ્રચાર કરશે અને વૃક્ષારોપણ કરશે. પદયાત્રા વિશે ભાજપ સાંસદ પ્રહલાદ જોશીએ કહ્યું કે, રાજ્યસભા સાંસદોને પણસંસદીય વિસ્તાર એલોટ કરવામાં આવશે. દરેક સંસદીય વિસ્તારમાં ૧૫-૨૦ ટીમો બનાવવામાં આવશે. સાંસદ પ્રત્યેકદિવસે ૧૫ કિમીની પદયાત્રા કરશે. સાંસદ પદયાત્રા દરમિયાન ગાંધીજી અને સ્વતંત્રતા સંગ્રામ પર કાર્યક્રમો કરશે અને વૃક્ષારોપણ પણ કરશે.

(7:46 pm IST)