Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

૮ ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી

૧૩ પૈકી ૮ના રાજીનામા અયોગ્ય : રમેશ કુમાર સ્પીકર : ૧૩ ધારાસભ્યોના રાજીનામા મંજુર થાય તો કુમારસ્વામી સરકાર અલ્પમતમાં આવશે : કર્ણાટક કટોકટી વધુ ઘેરી

નવી દિલ્હી, તા. ૧૦ : કર્ણાટકમાં જોવા મળતી રાજકીય ઉથલપાથલ વચ્ચે વિધાનસભા સ્પીકર રમેશ કુમારે કહ્યું કે ૧૩માંથી ૮ ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી. રમેશે જણાવ્યું કે તેઓએ આ અંગે રાજ્યપાલ વજુભાઈ વાળાને જાણકારી આપી છે. તેઓએ કહ્યું, *કોઈ પણ બળવાખોર ધારાસભ્યએ મારી સાથે મુલાકાત નથી કરી. મેં રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો છે કે હું બંધારણ અંતર્ગત જ કામ કરીશ. મેં ધારાસભ્યોને મળવાનો સમય આપ્યો છે.* આ પહેલાં કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે પાર્ટી વિરોધ પ્રવૃતિઓને માટે સભ્યોની કાયદેસરતા રદ કરવી જોઈએ. ધારાસભ્યોએ ભાજપ સાથે સમજૂતી કરી લીધી છે. તેઓએ ધારાસભ્યને પાછા આવવા અને પોતાના રાજીનામા પરત ખેંચવાનો અનુરોધ કર્યો છે. તેઓએ કહ્યું કે અમે ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા અને રાજીનામા સ્વીકાર નહીં કરવા માટે અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તો લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ કર્ણાટકના રાજકીય સંકટને લઈને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સિદ્ધારમૈયાએ કહ્યું કે, સરકારને અસ્થિર કરવી ભાજપની આદત છે. આ અલોકતાંત્રિક છે. જનતાએ અમને બહુમતી આપી. જેડીએસ અને કોંગ્રેસને ૫૭%થી વધુ વોટ મળ્યા. રાજકીય સંકટ માટે ફક્ત ભાજપની રાજ્ય શાખા જ નહીં, પરંતુ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રીય સ્તરના નેતા પણ સામેલ થયા છે. તેમના આદેશ પર સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમને કહ્યું કે, અમે સ્પીકરને પક્ષપલટાના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અપીલ કરીએ છીએ. અમે અમારા પત્રમાં અપીલ કરી છે કે તેઓ તેમને ફક્ત અયોગ્ય જ નહી પરંતુ તેમને ૬ વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી દે.

(7:41 pm IST)