Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ખોટી રીતે NRI સ્ટેટસ બતાવનારને I-Tની નોટિસ

મુંબઈ, તા.૯: આવકવેરાની તપાસ શાખા NRIsના રેસિડેન્શિયલ સ્ટેટસને ઝીણવટભરી નજરથી ચકાસી રહી છે. ઘણા NRIs ને છેલ્લાં પાંચ-છ વર્ષની ટેકસ આકારણી ફરી ખોલવા નોટિસ મળી છે. રેસિડન્ટ વ્યકિત વિદેશમાં ૧૮૨ દિવસથી વધુ સમય રહે તો તેને NRI સ્ટેટસ મળે છે. કાયદામાં જણાવ્યા અનુસાર વ્યકિત જે તે વર્ષમાં ૬૦ દિવસથી વધુ સમય અને એ વર્ષની અગાઉના ચાર વર્ષમાં ૩૬૫ દિવસ ભારતમાં રહ્યો હોય તો તે રેસિડન્ટ ગણાય છે.

ટેકસની ગંભીર અસરને કારણે દ્યણા ભારતીયો સાવચેતીપૂર્વક તેમનો સમય ભારત અને વિદેશમાં વહેંચે છે. NRIએ ભારત બહારની આવક પર ટેકસ ભરવો પડતો નથી. જોકે, રેસિડન્ટે વિદેશમાં મળેલી આવક પર પણ ટેકસ ચૂકવવો પડે છે. આ સ્થિતિમાં NRI સ્ટેટસનો દાવો કરનારા (ભારત બહાર રહેવાના સમયની શરત પૂરી કર્યા વગર)ની કરચોરી અને કદાચ લાંબી કાનૂની કાર્યવાહી માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લાખાણીએ જણાવ્યું હતું કે, વ્યકિતએ હોસ્પિટલાઇઝેશન કે લગ્ન જેવાં વાજબી કારણોસર ભારતમાં ૧૮૨ દિવસથી વધુ સમય રહેવું પડ્યું હોય તો પણ તેને રાહત નહીં મળે. રેસિડન્ટ્સની વિદેશી આવક પર કર લેવાનો ચૂકી ન જવાય એ માટે આવકવેરા વિભાગે આક્રમક નીતિ અપનાવી છે. NRIsને ઘણી નોટિસ બજેટના મહિના પહેલાં ફટકારવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના ટેકસ રિટર્નમાં NRIsએ અગાઉનાં ચાર વર્ષમાં ભારતમાં વિતાવેલા સમયની વિગત આપવાની રહેશે.

એનઆરઆઈ ઉપર રહેશે આયકરની નજર

- આઈટી ઓફિસરો છેલ્લા ૫ થી ૬ વર્ષના એસેસમેન્ટ ખોલી શકશે

- એનઆરઆઈએ ઈન્કમટેક્ષ વિભાગ સાથે પાસપોર્ટની વિગતો શેયર કરવી પડશે

- આયકર વિભાગે એનઆરઆઈને નોટીસ આપવાનુ શરૂ કર્યુ

- એનઆરઆઈએ નોકરી, ધંધો, શિક્ષણ અથવા પરિવારની વિગતો આપવાની રહેશે

- એનઆરઆઈએ વિદેશની મિલ્કતોની માહિતી આપવાની રહેશે

- ભારત કે અન્ય જગ્યાએ ટેક્ષેબલ ઈન્કમની વિગત પણ આપવી પડશે

- બજેટમાં સરકારે બ્લેકમની એકટ હેઠળ એસેસીની વ્યાખ્યામાં એનઆરઆઈનો પણ સમાવેશ કર્યો છે

(3:56 pm IST)