Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભ્રષ્ટાચાર : સીબીઆઈના ૧૧૦ સ્થળો ઉપર દરોડા

સીબીઆઈ દ્વારા ૩૦ અલગ અલગ કેસ નોંધાયા : બીજી જુલાઈએ પણ સીબીઆઈએ સમગ્ર ભારતના ૧૮ શહેરોમાં ૫૦ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું

નવી દિલ્હી, તા. ૯ : ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ દેશભરના ૧૧૦ સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર છેતરપિંડી અને અનુચિત લાભ મેળવવાના આક્ષેપમાં શ્રીવાસ્તવ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. મંગળવારે દિલ્હી સિવાય ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને બિહારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

સીબીઆઈએ મંગળવારે ભ્રષ્ટાચાર, દગાખોરી અને હથિયાર તસ્કરી મામલે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૧૦ જગ્યા પર દરોડા પાડ્યા છે. આ મામલે સીબીઆઈએ અલગ-અલગ ૩૦ કેસ નોંધ્યા છે. એક સપ્તાહ પહેલાં જ સીબીઆઈએ બેન્કો સાથે દગાખોરી કરનાર સામે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. ૨ જુલાઈએ સીબીઆઈએ સમગ્ર દેશના ૧૮ શહેરોમાં ૫૦ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ મામલે ૧૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરેક મામલે રૂ. ૬૪૦ કરોડના ફંડ ડાયવર્ઝન સાથે જોડાયેલા છે. સીબીઆઈની ૧૨ ટીમ દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, પુણે, પલાની, ગયા, ગુરુગ્રામ, ચંદીગઢ, ભોપાલ, સુરત અને કોલાર સહિત ઘણાં વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. નાણાંમંત્રી સીતારમણે ૧ જુલાઈએ લોકસભામાં કહ્યું હતું કે, નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯માં પબ્લિક સેક્ટર બેન્કોમાં થયેલી દગાખોરીવાળા કેસની સંખ્યા ૭૩૯ રહી છે. જે ગયા નાણાકિય વર્ષમાં ૧,૫૪૫ હતી. બેન્કોઓ છેલ્લા પાંચ વર્ષમાં કાયદાકીય કાર્યવાહી દ્વારા નોન પર્ફોમિંગ એસેટ તરીકે રૂ. ૨ લાખ ૬ હજાર ૫૮૬ કરોડ રિકવર કર્યા છે.

(7:43 pm IST)