Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આજે કર્ણાટકની કુમારસ્‍વામી સરકારનું ભાવિ નક્કી થશે

રાજીનામા આપનાર ૧૫ બાગી ધારાસભ્‍યો મામલે સ્‍પીકર નિર્ણય લેશેઃ બાગી ધારાસભ્‍યો મુંબઈમાં જ કોઈ અજ્ઞાત સ્‍થળે પહોંચ્‍યાઃ રાજીનામા આપવા મક્કમ : જો બાગી ધારાસભ્‍યોના રાજીનામાનો સ્‍વીકાર થાય તો કર્ણાટક સરકારનો ઘડો લાડવો થઈ જાયઃ યેદીયુરપ્‍પાએ કુમારસ્‍વામીનુ રાજીનામુ આપ્‍યુઃ રાજ્‍યમાં ઠેર ઠેર પ્રદર્શન

બેંગ્‍લોર, તા. ૯ :  કર્ણાટકનું રાજકીય સંકટ હવે કલાઈમેકસ ઉપર પહોંચી ગયુ છે. રાજયમાં કુમારસ્‍વામી સરકારના બધા પ્રધાનોના રાજીનામા બાદ મનાતુ હતુ કે કોંગ્રેસ-જેડીએસના નારાજ ધારાસભ્‍યોને મનાવી લેવાશે પરંતુ રાજીનામા આપી ચૂકેલ બાગી ધારાસભ્‍યો પોતાના ફેંસલા પર અડગ છે અને પળે-પળે પોતાનું સ્‍થાન બદલી રહ્યા છે. પહેલા એવા સમાચારો હતા કે બાગી ધારાસભ્‍યો ગોવા જવાના છે પરંતુ છેલ્લી ઘણીએ તેઓએ પ્‍લાન બદલી મુંબઈમાં જ કોઈ અજ્ઞાત સ્‍થળે રહેવાનો ફેંસલો લીધો છે. બીજી તરફ બેંગ્‍લોરમાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્‍યમંત્રી યેદીયુરપ્‍પાના નિવાસ સ્‍થાને ભાજપના નેતાઓ એકઠા થવા લાગ્‍યા છે. બાગી ધારાસભ્‍યોએ આજે સવારે જણાવ્‍યુ હતુ કે વર્તમાન સરકારમાં પ્રધાન બનવાનો કોઈ ફાયદો નથી કારણ કે સરકારની સ્‍થિરતા જ નથી.

બાગી ધારાસભ્‍યોના રાજીનામા પર સ્‍પીકર કે.આર. રાકેશકુમાર આજે ફેંસલો લેવાના છે. શનિવારે કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ૩ ધારાસભ્‍યોએ પોતાના પદ પરથી રાજીનામા આપ્‍યા હતા. જે પછી સરકારની મુશ્‍કેલી વધી ગઈ હતી. નાગેશ અને આર. શંકરના રાજીનામા બાદ સરકાર પાસે ૧૧૬ ધારાસભ્‍યો (કોંગ્રેસ ૭૮, જેડીએસ ૩૭, બસપા ૧)નું સમર્થન છે તો ૧૩ ધારાસભ્‍યોના રાજીનામા સ્‍વીકારી લેવાય તો ગઠબંધન પાસે ૧૦૩ ધારાસભ્‍યો રહી જાય અને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો ૧૧૩નો છે.

આ બાગી ધારાસભ્‍યોનું કહેવુ છે કે તેઓ રાજીનામા માટે મક્કમ છે અને ભાજપના નેતૃત્‍વવાળી સરકારનો હિસ્‍સો બનવા માગે છે. ગઈકાલે વધુ બે અપક્ષોએ રાજીનામા આપતા કુલ ૧૫ ધારાસભ્‍યો ગઠબંધનમાંથી નીકળી ગયા છે. સરકાર આજની તારીખે લઘુમતીમાં હોવાનું કહેવાય છે. બીજી તરફ ભાજપના નેતા યેદીયુરપ્‍પાએ કહ્યુ છે કે મુખ્‍યમંત્રી કુમારસ્‍વામીએ રાજીનામુ આપી દેવુ જોઈએ. આજે રાજીનામાની માંગણીસર સમગ્ર રાજ્‍યમાં ભાજપ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. જો કે સરકાર બનાવવાનો ફેંસલો હાઈકમાન્‍ડ જ લેશે.

(10:59 am IST)