Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બજેટથી પગારદાર નિરાશઃ લાગ્‍યો બેવડો માર

ટેક્ષની લીમીટ પણ ન વધી કે ૮૦-સી હેઠળ વધુ રાહત પણ ન મળી :સરકારની તિજોરી છલકાવે છે પગારદાર વર્ગ જ

નવી દિલ્‍હી તા. ૯ :.. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટથી નોકરીયાત કરદાતા સૌથી વધુ નિરાશ છે. વધતી મોંઘવારી વચ્‍ચે કર છૂટ ન મળવાથી તેમને બેવડો માર પડયો છે.

બજેટમાં કર શ્રેણીમાં કોઇ ફેરફર નથી કરાયો. પાંચ લાખ રૂપિયાથી ઓછી કર પાત્ર આવક પર ટેક્ષ શૂન્‍ય છે પણ પાંચ લાખથી વધારે આવક હોય તો ર૦ ટકા લેખે કર ચૂકવવાનો છે. લોકોનું કહેવું છે કે પાંચ લાખની કર પાત્ર આવક પર ટેક્ષ તો જ નહીં લાગે જો ઓછામાં ઓછી અઢી લાખની બચત કરીએ. પણ વધતી મોંઘવારીમાં વધારે બચત કરવી મુશ્‍કેલ છે. સાથે જ કલમ ૮૦-સી હેઠળ બચતની મર્યાદા પણ નથી વધારવામાં આવી. નોકરીયાત વર્ષા રતનપરકેનું કહેવું છે કે દિલ્‍હી, મુંબઇ જેવા શહેરોમાં એક લાખનો પગાર પણ ઓછો પડવા લાગ્‍યો છે. તેમનું કહેવું છે કે પગારદરો ટેક્ષ ચૂકવવામાં સૌથી વધુ પારદર્શી છે તો તેમને વધારે છૂટછાટ મળવી જોઇએ.

આવકવેરા વિભાગ અનુસાર, વર્ષ ર૦૧૬-૧૭ ૧.૮૯ કરોડ પગારદારોએ ટેક્ષ રીટર્ન ભર્યુ હતું અને ૧.૪૪ લાખ કરોડ રૂપિયા ટેક્ષ ચુકવ્‍યો હતો. પગારદારે સરેરાશ ૭૬૩૦૩ રૂપિયા ટેક્ષ ચુકવ્‍યો હતો.  વ્‍યકિતગત કર શ્રેણીમાં ૧.૮૮ કરોડ ધંધાર્થીઓએ ૪૮૦૦૦ કરોડ રૂપિયાનો ટેક્ષ ચુકવ્‍યો જે સરેરાશ ફકત રપ૭પ૩ રૂપિયા હતો.

(10:59 am IST)