Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વાહનોનાં ટાયરમાં નાઈટ્રોજન ગેસ ભરવો અનિવાર્ય થશે

સાધારણ હવા ફ્રીમાં અથવા તો ૫ રૂપિયાના મૂલ્યથી ભરી આપવામાં આવે છેઃ જયારે નાઈટ્રોજન ગેસ ભરવા માટે ૧૫૦ થી ૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે

નવી દિલ્હી, તા.૯: માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ રાજયસભામાં કહ્યું કે માર્ગ દુર્દ્યટનાઓ અટકાવવા માટે ઘણાં પગલાઓ ભરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે નવા રાજમાર્ગ સીમેન્ટ અને કોંક્રિટથી બનાવવામાં આવી રહ્યાં છે જેના કારણે ટાયર્સ જલદી ગરમ થઈ જાય છે અને ફાટી જાય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ટાયરોમાં નાઈટ્રોજન ગેસ ભરવા મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે. આનાથી દુર્ઘટનાઓમાં ઘટાડો નોંધાશે.

નાઈટ્રોજન ગેસ ટાયરોને ગરમીમાં ઠંડા રાખે છે. નાઈટ્રોજન ગેસ રબરના કારણે ટાયરમાં ઓછો ફેલાય છે જેના કારણે ટાયરમાં પ્રેશર સારું રહે છે. એટલા માટે જ ફોર્મ્યુલા વન રેસિંગ કારોના ટાયર્સમાં નાઈટ્રોજન ગેસ જ ભરવામાં આવે છે. સાધારણ હવા ફ્રીમાં અથવા તો ૫ રુપિયાના મૂલ્યથી ભરી આપવામાં આવે છે, જયારે નાઈટ્રોજન ગેસ ભરવા માટે ૧૫૦ થી ૨૦૦ રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે.

ગડકરીએ જણાવ્યું કે દેશમાં પ્રતિવર્ષ રોડ એકિસડન્ટમાં આશરે દોઢ લાખ લોકોનાં મોત થાય છે. સરકાર આ મામલે ગંભીર છે અને આને રોકવા માટે નવો કાયદો લાવવા માંગે છે. પરંતુ સંબંધિત વિધેયક એક વર્ષથી સદનમાં પડતર છે. તેમણે સભ્યોને આને જલદી જ પસાર કરવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે દુર્દ્યટનાઓના દ્યણાં કારણો છે, જેમાં અપ્રશિક્ષિત ડ્રાઈવર, ખરાબ રોડ, અને દેખરેખનો અભાવ પણ કારણરુપ છે.

કેન્દ્રીયપ્રધાને કહ્યું કે વાહનચાલકોને પ્રશિક્ષિત કરવા માટે આખા દેશમાં આશરે ૮૫૦ જેટલા ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવી રહ્યાં છે. વાહનોમાં એવી ટેકનોલોજી લગાવવામાં આવી રહી છે, જે ચાલકોએ નશો કર્યો છે કે કેમ, વધારે સામાન, અને વધારે પેસેન્જર બેસાડવા સહિતની તમામ માહિતી સ્થાનિક પોલીસને આપી દેશે. વાહનોની ગતિને નિયંત્રણમાં રાખવાના ઉપાયો કરવામાં આવી રહ્યાં છે.

(10:21 am IST)