Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હવે બેન્ક એકાઉન્ટ, મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં: રાજયસભામાં પસાર થયું બિલ

નવા પસાર થયેલા આધાર સંશોધન બિલમાં બેન્ક એકાઉન્ટ ખોલવા, સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડને સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા.૯: સોમવારે લોકસભા પછી રાજયસભામાં પણ આધારા સંશોધન બિલને મંજુરી મળી ગઈ છે. બિલ પસાર થયા પછી રાજયસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવાઈ હતી. રાજયસભામાં બિલ રજૂ કરતા કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિસંકર પ્રસાદે જણાવ્યું કે, આ બિલમાં બેન્કમાં ખાતું ખોલવા, સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડને સ્વૈચ્છિક બનાવી દેવાયું છે.

સરકારે જણાવ્યું કે, આધારનો ઉપયોગ મહત્વનો છે, પરંતુ અનિવાર્ય નથી. રવિશંકર  પ્રસાદે આધારને સલામત જણાવતા કહ્યું કે, 'તેમાં નાગરિકોની અંગત માહિતી સુરક્ષિત રાખવા અને દુરૂપયોગ રોકવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.'

રાજયસભામાં થયેલી ચર્ચા દરમિયાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ હવે ડાટા સંરક્ષણ બિલ લાવશે અને તેના પર પ્રક્રિયા ચાલુ છે. પ્રસાદે જણાવ્યું કે, આધાર સંશોધન બિલને સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવે તે પહેલા રજૂ કરવામાં આવ્યું છે.

(10:20 am IST)