Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બિહારઃ ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓએ કહ્યું: રાત્રે આવતાં હતા પુરુષો, અમને મસાજ કરવા માટે કહેવાતું

પટણા, તા.૯: બિહારના ભોજપુર જિલ્લાની ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓએ વોર્ડન પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. છોકરીઓએ કહ્યું કે, હોસ્ટેલમાં રાત્રે બહારથી પુરુષો આવતા હતા, અને વોર્ડન અમને મસાજ કરવા માટે કહેતી હતી. શાહપુર પ્રખંડના બિલૌટી સ્થિત આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં હાલ તમામ છોકરીઓ પોતાના ઘરે જતી રહી છે. થોડા દિવસ પહેલાં જ મહિલા વોર્ડન ગીતા પર લાગેલાં ગંભીર આરોપો બાદ ૫ સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. તપાસમાં ટીમને જાણવા મળ્યું કે, બે પુરુષ અને બે મહિલાઓ અહીં ગેરકાયદે રીતે રહેતાં હતા.

૩ જુલાઈના રોજ રાત્રે આ હોસ્ટેલમાંથી બે વિદ્યાર્થિનીઓ ભાગી ગઈ હતી. પણ ગામના સ્થાનિક લોકોએ તેમને પકડી પાડી હતી. અને પોલીસને હવાલે કરી દીધી હતી. પોલીસ સામે આ છોકરીઓએ વોર્ડન ગીતા પર આરોપ લગાવ્યો હતો. છોકરીઓએ કહ્યું કે, સ્થાનિક આગેવાન અહીં રોજ રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૧ વાગ્યા સુધી અહીં આવતો હતો. અને પુરુષો સાથે અમને મસાજ કરવાનું કહેવાતું હતું.

છોકરીઓના આ ખુલાસા બાદ તમામ કાંડની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. બિહાર મહિલા આયોગ અને જિલ્લાના કલેકટરે આ ઘટનાની જાણકારી માગી હતી. છોકરીઓના આ ગંભીર આરોપ બાદ હોસ્ટેલમાં રહેતી ૮૦ છોકરીઓનાં માતાપિતા તેમને લઈને ઘરે જતા રહ્યા હતા.

(10:20 am IST)