Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

દિલ્હીમાં ફરીવખત તબીબ ઉપર હુમલો કરતા ચકચાર

પાટનગર દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હડતાળ : રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલો કરાતા ખભા-છાતીમાં ઇજા

નવી દિલ્હી, તા. ૮ : હોસ્પિટલમાં તબીબો સાથે કથિત મારામારી બાદ પાટનગર દિલ્હીની અનેક હોસ્પિટલ્સે ફરી એકવાર અનિશ્ચિત મુદ્દત માટે હડતાળ શરૂ કરી દીધી છે. આ હડતાળ મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અને મહર્ષિ વાલ્મિકી હોસ્પિટલમાં બનેલી ઘટનાઓ બાદ શરૂ કરવામાં આવી હતી. હવે આમા દિલ્હીની અન્ય કેટલીક હોસ્પિટલના સ્ટાફ પણ જોડાઈ ગયા છે.

રેસિડેન્ટ તબીબોની આ હડતાળના કારણે દર્દીઓને ઓપીડી, ઓટી અને ઇમરજન્સી જેવી સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં તબીબો સાથે થયેલી મારામારી બાદ દેશભરના તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા હતા ત્યારબાદ તબીબોની સુરક્ષા માટે સરકાર તરફથી અનેક વચનો આપવામાં આવ્યા હતા. હડતાળમાં મૌલાના આઝાદ, જીબી પંત અને ગુરુનાનક આઈ સેન્ટરના રેસિડેન્ટ ડોક્ટર પણ જોડાયા છે. લોકનાયક હોસ્પિટલના તબીબ પ્રિયાંકનું કહેવું છે કે, એક વૃદ્ધ દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને હાર્ટએટેક આવ્યો હતો. હોસ્પિટલમાં આવવાની સાથે તેમના સગાસંબંધીઓ ભારે ગુસ્સામાં દેખાયા હતા. દર્દીની હાલત ખુબ જ ખરાબ હતી. તમામ પ્રયાસો કરાયા બાદ પણ તેમને બચાવી શકાયા ન હતા. આજ કારણસર દર્દીના સગાસંબંધીઓએ તબીબ પર હુમલો કરી દીધો હતો. તબીબને ખભા અને છાતીના ભાગમાં ઇજાઓ થઇ હતી. આજ કારણસર રાત્રે ઇમરજન્સી સર્વિસ બંધ કરી દેવાની ફરજ પડી હતી. આજથી રેસિડેન્ટ ડોક્ટર હડતાળ ઉપર ઉતરી ગયા હતા. મહર્ષિ વાલ્મિકી હોસ્પિટલના આરડીએના પ્રમુખ તબીબ સમીર કક્કડે કહ્યું હતું કે, હોસ્પિટલમાં રવિવારે સાંજે એક દર્દીને લાવવામાં આવ્યો હતો જેના સંબંધીઓએ તબીબોને જબરજસ્તી તેમના દર્દીને જોવા માટે જોવા માટે દબાણ કર્યું હતું.

(12:00 am IST)