Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કર્ણાટકના રાજકીય સંકટનો મામલો સંસદમાં પણ ગુંજ્યો

કોંગીનો ભાજપ પર લોકતંત્રની હત્યાનો આરોપ : કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો રાહુલ ગાંધીએ શરૂ કર્યો હતો તેમાં ભાજપાને કોઇ લેવા દેવા નથી : રાજનાથસિંહ

નવી દિલ્હી, તા. ૮ : કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકાર પર સંકટનો મુદ્દો આજે લોકસભામાં પણ ઉઠ્યો હતો. સદનમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ભાજપ પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જવાબમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, કર્ણાટકમાં જે કઇ થઇ રહ્યું છે તેમાં તેમની પાર્ટીનો કોઇ હાથ નથી. રાજનાથસિંહે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાના બહાને રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાજીનામાની શરૉઆત તો રાહુલ ગાંધીએ જ કરી હતી. લોકસભામાં ચૌધરીએ કર્ણાટકના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યો છે. ચૌધરીએ કહ્યું હતું કે, એમપી, કર્ણાટક જ્યાં અમારી સરકાર છે ત્યાં સરકાર તોડવા માટે તેઓ પક્ષ પલટાની હરકત કરાવી રહ્યા છે. આ સરકાર ગુપ્તરીતે ષડયંત્ર રચી રહી છે. વિપક્ષ સરકારમાં રહે તે તેમને પસંદ નથી. આ ચિંતાજનક બાબત છે. અમારી પાર્ટીના ધારાસભ્યોને મુંબઈમાં આલીશાન હોટલમાં રખાયા છે. અધિર રંજન ચૌધરીના આક્ષેપોનો જવાબ આપતા સંસદમાં ઉપનેતા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, તેમની પાર્ટીને કર્ણાટકના ઘટનાક્રમ સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે, અમારો ઇતિહાસ રહ્યો છે કે, કોઇપણ પ્રકારનું પ્રલોભન આપીને અમે પક્ષ પલટો કરાવવાની કોશિશ કરી નથી. સંસદીય લોકતંત્રની ગરીમા જળાવી રાખવા માટે અમે લોકો સંપૂર્ણરીતે કટિબદ્ધ છે. કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના બહાને રાજનાથસિંહે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજીનામુ આપવાનો સિલસિલો અમે લોકોએ શરૂ નથી કરાવ્યો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપવા માટેનો સિલસિલો શરૂ કર્યો છે એમાં ભાજપને કોઇ લેવા દેવા નથી.

(12:00 am IST)