Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બેટા, સંગીતની સાથે ભણવાનું પુરું કરજે

નરેન્દ્ર મોદીએ ગીતા રબારીને કહ્યું... : રોણા શેરમાં રે ગીતને રપ કરોડ વ્યુ મળતા મોદીની લીધી મુલાકાત

નવી દિલ્હી તા. ૯ :.. અમદાવાદ-કચ્છના એક નાનકડા ગામ ટપ્પરથી પોતાના કંઠથી કચ્છી કોયલ તરીકે દેશ-વિદેશમાં ખ્યાતી મેળવનાર લોકગાયિકા ગીતા રબારી ગઇકાલે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશિર્વાદ લેવા ગઇ ત્યારે વડાપ્રધાને તેના પર ગર્વ વ્યકત કરવાની સાથે કહયું હતું કે ગીતા તુ તો બહુ મોટી થઇ ગઇ, બેટા, સંગીતની સાથે ભણવાનું ચાલુ રાખીને ભણવાનું પુરૃં કરજે.

ગુજરાતની લોકગાયિક ગીતા રબારીએ ગાયેલા લોકગીત રોણા શેરમાં રે...ગીત ને યુ ટયુબ પર  રપ કરોડ વ્યુ મળતા તેની ખુશીમાં ગીતા રબારી તેના માતા-પિતા સાથે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશિર્વાદ લેવા ગઇ હતી. નરેન્દ્ર મોદીને મળીને ગીતા રબારીએ વડાપ્રધાન માટે ગાયેલું ગીત અમે રાજી મોદીજી તારા રાજમાં રે... સાથે  ગીતા રબારીની બુક, કચ્છી સાલ અને કચ્છી રબારી પાઘડી ભેટમાં આપી હતી.

વડાપ્રધાન સાથે મુલાકાત કર્યા બાદ મહેશ રબારી અને જયમલ રબારીએ કહયું હતું કે નરેન્દ્રભાઇએ ગીતા રબારી ઉપર ગર્વ વ્યકત કર્યુ હતું અને કહયું હતું કે બેટા ભણવાનું પુરૂ કરજે, કેમ આગળ ભણતી નથી, સંગીતની સાથે ભણવાનું ચાલુ રાખજે અને બેટી બચાવો, બેટી પઢાઓનું સુત્ર સાર્થક કરજે.

તેઓએ વધુમાં કહયું હતું કે ગુજરાતી ગીતોના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે કોઇ ગુજરાતી લોકગીતને યુ ટયુબ પર રપ કરોડ વ્યુ મળ્યાં હોય. ગીતાએ ગાયેલુ રોણા શેરમાં રે એક રેકોર્ડબ્રેક ગીત છે.

ઉલ્લેખનીય છે કે ગીતા રબારીએ ગઇકાલે વડાપ્રધાનને જે બુક આપી તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના તરફથી ગીતા રબારીના ઘરે એક પોસ્ટકાર્ડ મળ્યું હતું. જેમાં બેટી બચાવો, બેટી પઢાવોની વાત લખી હતી. ગીતા રબારીના પિતાજી કાનાભાઇએ તે સમયે નિર્ધાર કર્યો કે મારે દિકરીને શિક્ષણ અપાવવું છે અને ગીતા રબારીને ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો.

સાચા રોણા શેરમા તો નરેન્દ્ર મોદી

ગીતા રબારી સાથેની મુલાકાત પછી નરેન્દ્ર મોદીએ તેમને સરપ્રાાઇઝ આપતાં હોય એમ ટિવટ કરીને લખ્યું હતું કે ગીતા રબારી જેવા કલાકારો આપણા સમાજ માટે પ્રેરણારૂપ છે. તેણે ગુજરાતી ગીતોને યુવાનોમાં પોપ્યુલર કરવાનું કામ કર્યુ છે, હું ગીતા રબારીના કામથી પ્રભાવિત થયો છું. ગીતાબહેને ગઇકાલે વડાપ્રધાનને મળ્યા પછી કોઇ જાતની પૂર્વ તૈયારી વિના એમ જ માઇક વિના પોતાનું પોપ્યુલર ગીત રોણા શેરમાની બે લાઇન પણ લલકારી હતી. ગીતાબહેને રોણા શેરમાનો અર્થ સમજાવતાં કહયું હતું કે જેનો વટ છે, જેની સામે કોઇ  ઝૂકે છે એને રોણા શેરમા  કહેવાય. ગીતાબહેને કહ્યું હતું. આપણાં દેશન સાચા રોણા શેરમાં તો નરેન્દ્ર મોદી છે, તેમણે દેશને નવી આન-બાન અને શાન આપી છે.

(11:36 am IST)