Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ઠાગાઠૈયા કરનાર દંડાશે

રાજયો-બેંકો- વીમા કંપનીઓ ઉપર પેનલ્ટી મુકવા કેન્દ્ર વિચારે છેઃ દાવાનો નિકાલ બે મહિનામાં જરૂરી હોય છેઃ બે વર્ષમાં દાવાનો નિકાલમાં સરેરાશ પ થી ૬ મહિનાનો વિલંબ થયાનું બહાર આવતા કેન્દ્ર ચોંકયું: કૃષિ વિભાગનું ૩૦% બજેટ આ પ્રીમીયમ પર ખર્ચાય છે

નવીદિલ્હી તા.૯: કેન્દ્ર સરકાર પોતાની બહુ ચર્ચિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ દિશાનિર્દેશના ઉલ્લંઘન માટે રાજયો, બેંકો અને વીમાકંપનીઓને નાણાકીય દંડ કરવા બાબતે વિચારી રહી છે. આ યોજનાની ઓૈપચારીક શરૂઆતને બે વર્ષ થઇ ગયાં છે. અધિકારીઓએ કહયું કે કેન્દ્ર સરકાર પોતાના ભાગનું પ્રિમીયમ સમયસર ચુકવનાર, પાકને નુકસાન થતું રોકવા માટે ટેકનીકનો ઉપયોગ કરનાર અને ખેડુતોને દાવાઓની સમયસર ચુકવણી કરનાર રાજયોને પ્રોત્સાહન આપવાની યોજના પણ બનાવી રહી છે.

કેન્દ્ર રાજયોને પ્રિમીયમની વધારે રકમ દંડરૂપે આપવાનું કહી શકે છે. અત્યારે કેન્દ્ર અને રાજયો અડધું અડધું પ્રિમીયમ ભરે છે. બેંકોને મળતા ચાર ટકા સેવા શુલ્કમાં ઘટાડો કરીને દંડ કરશે તો આ શુલ્ક વધારીને બેંકોને તેમની સારી સેવા માટે પ્રોત્સાહન અપાશે.

અધિકારીઓનું કહેવું છે કે પાક વીમાયોજનાના દાવાઓનો નિકાલ બે મહિનામાં કરવાનો હોય છે પણ સરકારને જાણવા મળ્યું છે કે શરૂઆતના બે વર્ષોમાં આમાં પ થી ૬ મહિના લાગ્યા છે. પહેલા પણ કેન્દ્રએ રાજયોને ચેતવ્યા હતા કે જો તેમણે દવા નિકાલ કરવામાં મોડું કર્યુ તો તેમના આર્થિક દંડ લગાવવામાં આવશે. જો કે આ દંડ નહોતો લગાડાયો.

અધિકારીઓનું કહેવું છે કે હવે આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે અને તેના પર ગંભીરતાપુર્વક વિચારણા થઇ રહી છે. દંડ અને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ રાજયો પોતાના ભાગનું પ્રિમીયમ સમયસર ભરે તે છે કેમકે આના લીધે જ ખેડુતોના દાવા સમયસર નિકાલ નથી થઇ શકતા. ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા માટે? રચાયેલી દલવાઇ કમીટીએ પોતાના એક રીપોર્ટમાં કહયું છે કે આ વિમા યોજનામાં મોટી મુશ્કેલી દાવાઓનું ચુકવણું ન થવું કે મોડું થવું તે છે. જેનું મુખ્ય કારણ રાજયો પોતાના હીસ્સાનું પ્રિમીયમન ભરતા હોવાનું છે.

પાક વીમા યોજના હેઠળના મુળ પ્રિમીયમ અને ખેડુતોએ ભરેલા પ્રિમીયમ વચ્ચેનો ફરક સબસીડી રૂપે કેન્દ્ર અને રાજય સરકાર અર્ધુ-અર્ધુ ચુકવે છે. મોટાભાગે કેન્દ્રતો પોતાના ભાગની રકમ ચુકવી આપે છે પરંતુ રાજયો એમ નથી કરતા. જેના લીધે દાવાઓના નિકાલમાં મોડું થાય છે. રાજયો પાકને થયેલા નુકસાનનો અંદાજ પણ સમયસર નથી આપતા આના લીધે પણ દાવાઓના નિકાલમાં મોડું થાય છે.(૧.૧૭)

(4:07 pm IST)