Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અમેરિકા સૌથી શકિતશાળી દેશ : બીજા ક્રમે રૂસ : ચીન ત્રીજા ક્રમે : ભારત ઉભરતી અર્થવ્યવસ્થા : ૧૫માં ક્રમે

યુએસ ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ : વિશ્વના ૨૫ તાકતવર દેશોની યાદી જાહેરઃ ભારતથી આગળ તુર્કી ૧૪માં સ્થાને અને ઇરાન ૧૩માં ક્રમે

નવી દિલ્હી તા. ૯ : યુએસ ન્યુઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટે વિશ્વના ૨૫ સૌથી તાકાતવર દેશોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ રીપોર્ટ દર વર્ષે પ્રકાશિત કરવામાં આવી છે. આ યાદીમાં સૌથી પ્રથમ નંબર પર અમેરિકા જ સર્વશ્રેષ્ઠ છે. અમેરિકા બાદ બીજા સ્થાન પર રશિયા અને ત્રીજા સ્થાન પર ચીન છે.

આ રેકિંગ દેશની અર્થવ્યવસ્થા, બીજા દેશો પર તેનો પ્રભાવ, મિલિટ્રી તેમજ લિડરશિપના આધાર પર કરવામાં આવે છે. આ રીપોર્ટમાં ૮૦ દેશોને સામેલ કરવામાં આવ્યું હતું. યુએસ આ યાદીમાં સૌથી ટોપ પર સામેલ છે. યુએસને વિશ્વની સૌથી પ્રભાવશાળી અર્થવ્યવસ્થા અને સૈન્ય તાકાતવાળો દેશ ગણાવામાં આવ્યો છે. યુએસ નાટો અને યુએન જેવા સંગઠનો દ્વારા આંતરરાષ્ટ્રીય ભૂમિકા નિભાવામાં પણ આગળ રહ્યું છે.

બીજા સ્થાન પર રશિયા છે જે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં એક છે. રીપોર્ટના જણાવ્યા મુજબ રશિયા પોતાની સૈન્ય તાકાત પર ભારે ખર્ચ કરે છે. ૨૦૧૬માં રશિયાએ પોતાનો જીડીપીના ૫.૪ ટકા રક્ષા ક્ષેત્રમાં ખર્ચ કર્યો.

વિશ્વના તાકતવર દેશોની યાદીમાં ચીન ત્રીજા સ્થાન પર છે. વિશ્વ બેંકના જણાવ્યા મુજબ ચીનની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે પરંતુ અનેક લોકો આજે પણ ગરીબીની સ્પષ્ટ નીચે જીવન જીવી રહ્યા છે. ચીનનો વૈશ્વિક પ્રભાવ વધ્યો છે પરંતુ માનવાધિકારો, સેન્સરશિપ અને પ્રેસની આઝાદીના મામલે ચીનની ટીકા કરવામાં આવી છે.

આ યાદીમાં ભારતને ૧૫મું સ્થાન મળ્યું છે. ભારતથી આગળ તુર્કી (૧૪માં સ્થાન) તેમજ ઇરાન (૧૩માં સ્થાન) પર છે. રીપોર્ટમાં ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર અને તેજીથી ઉભરતી અર્થવ્યવસ્થા કહેવામાં આવી છે. પરંતુ સાથે જ ભારતમાં ૧ અરબ ૩૦ કરોડની વસ્તી અને ગરીબી તરફ પણ ઇશારો કરવામાં આવ્યો છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આઇટી સેકટરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચુકયું છે.

પાકિસ્તાનને પણ વિશ્વના ૨૫ તાકતવર દેશોની યાદીમાં જગ્યા મળી છે. અસ્થિરતા, ભ્રષ્ટાચાર અને ભારતની સાથે ચાલુ રહેલા વિવાદના કારણે પાક. ગયા વર્ષથી ૨ સ્થાન નીચે જઇને ૨૨માં સ્થાન પર આવી ગયું છે.

ઇઝરાયલ ૭માં, સાઉથ કોરિયા ૧૧માં, કેનેડા ૧૨માં, ઇરાન ૧૩માં, તુર્કી ૧૪માં, ભારત ૧૫માં અને ઓસ્ટ્રેલિયા ૧૬માં સ્થાન પર છે. વિશ્વના તાકાતવર દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇટલી, સ્વીડન, કતાર, નેધરલેન્ડ, પાકિસ્તાન, સ્પેન, સિંગાપોર, ઇજીપ્તનું નામ પણ સામેલ છે.(૨૧.૩૩)

(3:59 pm IST)