Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

નિર્ભયા કેસઃ નરાધમોની ફાંસીની સજા યથાવત

સુપ્રીમ કોર્ટે દોષિત ત્રણેય આરોપીઓની પુનઃ વિચારની અરજી ફગાવી દીધી

નવી દિલ્હી તા. ૯ :. નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટ ચારમાંથી ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી પર આજે પોતાનો નિર્ણય સંભળાવી દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી છે. તમને જણાવી દઈએ કે, નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ અક્ષય કુમાર સિંહ (૩૧)એ સુપ્રીમ કોર્ટના મે ૨૦૧૭ના નિર્ણય વિરુદ્ઘ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના જજ દીપક મિશ્રા, જજ આર ભાનુમતિ અને અશોક ભૂષણની પીઠે મુકેશ (૨૯), પવન ગુપ્તા (૨૨) અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો અને ત્રણેય નરાધમોની ફાંસીની સજા યથાવત રાખી ત્રણેયની પુનઃ વિચારની અરજી ફગાવી દીધી હતી. તેઓએ ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરવા માંગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના ૨૦૧૭ના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી કોર્ટ દ્વારા ૨૩ વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ગેંગરેપ અને હત્યાના કેસમાં તેમણે સંભળાવવામાં આવેલી મોતની સજા યથાવત રાખી હતી. નિર્ભયાની સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં ૬ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. સિંગાપુરના માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલમાં ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સારવાર દરમ્યાન નિર્ભયાનું મોત થયું હતું.

તમને જણાવી દઈએ કે, આરોપીઓમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવશે થાય છે, તેણે કિશોર ન્યાયબોર્ડે દોષિત ઠેરવી ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં રાખ્યા બાદ છોડી મૂકયો હતો.(૨-૨૪)

(3:55 pm IST)