Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

નોઇડામાં સેમસંગની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રીનું થયેલું ઉદ્ઘાટન

દુનિયાભરમાં નોઇડાથી જ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જે ઇન દ્વારા ફેક્ટ્રીનું ઉદ્ઘાટન કરાયું : મેક ઇન ઇન્ડિયાને વધુ ગતિ મળશે : મોદીએ જાહેરાત કરી

નવી દિલ્હી,તા.૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જે ઇનને નોઇડાના સેક્ટર ૮૧માં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રીનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંથી દુનિયાભરમાં સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવશે. સેમસંગ કંપની નોઇડામાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટનું વિસ્તરણ કરી રહી છે. આના માટે કંપનીએ ૪૯૧૫ કરોડનું મૂડીરોકાણ કર્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, આ આયોજન ભારતના લોકોના એમ્પાવર્ડમેન્ટમાં યોગદાન આપશે. સાથે સાથે મેક ઇન ઇન્ડિયાને ગતિ આપશે. ભારતમાં બનાવવામાં આવેલા મોબાઇલને દુનિયાભરમાં નિકાસ કરવા માટે સેમસંગે મેક ફોર દ વર્લ્ડની શરૃઆત કરી હતી. આ યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સેમસંગ સાત કરોડ સ્માર્ટ મોબાઇલ ફોન બનાવે છે. ૨૦૨૦ સુધી ૧૨ કરોડ આંકડો લઇ જવાશે. સેમસંગ ભારતમાં ૨૦૦૭થી મોબાઇલ ફોન બનાવે છે. સેમસંગ ઇન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર હોંગે કહ્યું હતું કે, નોઇડાની અમારી ફેક્ટ્રી દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી છે. આ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયાની સફળતાનો દાખલો છે. અમે આને દુનિયાભરમાં નિકાસ માટે મોબાઇલનું હબ બનાવીશું. શરૃમાં મોબાઇલ ફોન બનશે ત્યારબાદ બીજા તબક્કામાં ફ્લેટ પેનલ ટેલિવિઝન અને રેફ્રિજરેટર બનાવવામાં આવશે. ૨૦૧૬માં નોઇડા ઓથોરિટીએ કંપનીને ૨૫ એકર જમીન ફાળવી હતી. ખુબ ઓછા સમયમાં વિશાળ યુનિટ તૈયાર કરાયું છે. ઉલ્લેખનીય છે કે નોઇડાની ફેક્ટરી સેમસંગ કંપનીની છે જે ઉત્તર પ્રદેશમાં નોઈડાના સેક્ટર-૮૧માં આવેલી છે. સેમસંગ કંપનીના નવા યુનિટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઉપરાંત મોટી સંખ્યામાં રાજનેતા અને વિદેશી મહેમાનો પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પહેલા મોદી અને ઉન દિલ્હીમાં મહાત્મા ગાંધીની યાદમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમ ગાંધી સ્મૃતિ પહોંચ્યા હતા. મોદી અને મૂને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. બંનેએ ગાંધી સ્મૃતિમાં ગાંધીજીને પ્રિય એવા ભજનો ક્લાસિકલ સિંગર વિદ્યા શાહના અવાજમાં સાંભળ્યા હતા. સેમસંગની ફેક્ટરીના ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ કહ્યું, હું જ્યારે પણ બિઝનેસ કોમ્યુનિટીના પ્રતિનિધિઓ સાથે વાત કરું છું ત્યારે એક વાતનો ઉલ્લેખ હંમેશાં કરું છું કે ભારતમાં એકપણ મિડલ ક્લાસ ઘર એવું નથી જ્યાં કોરિયન પ્રોડક્ટ ન હોય. જીઈએમનો અર્થ છે ગવર્મેન્ટ ઇ-માર્કેટ, જેના દ્વારા સરકાર સીધી ઉત્પાદક પાસેથી જ ખરીદી કરે છે. તેનો ફાયદો મધ્યમ અને નાના એન્ટરપ્રેન્યોર્સને થાય છે. તેના કારણે પારદર્શકતા આવી છે. કોરિયન કંપનીનું ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. મળતી માહિતી મુજબ આ રોકાણ પાંચ હજાર કરોડ રૃપિયાનું છે. સમેસંગની નવી ફેક્ટરીમાં દર વર્ષે ૧૨ કરોડ મોબાઇલ ફોન બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે સેમસંગ કંપનીને જીએસટીમાં છૂટ આપવાનો પણ વાયદો કર્યો છે. કન્ઝયૂમર ઇલેક્ટ્રોનિક્સના મામલે દુનિયાના નક્શામાં સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી હોવાનો ટે ચીન, દક્ષિણ કોરિયા અને અમેરિકાની પાસે નહીં પરંતુ ઉત્તર પ્રદેશના શહેર નોઈડાના નામે લાગશે. વિશ્વની સૌથી મોટી ફોન બનાવતી યુનિટ ૧૯૯૫થી ઓપરેશનમાં છે. વિસ્તરણ પર ૪૯૧૫ કરોડનો ખર્ચ કરાયો છે. વિસ્તરણ બાદ મહિને ૧.૨ કરોડ ફોન બનાવી શકાશે. હાલમાં આ ક્ષમતા મહિને ૫૦ લાખ ફોનની રહેલી છે.

 

સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રી

નવીદિલ્હી, તા.૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જે ઇનને નોઇડાના સેક્ટર ૮૧માં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટ્રીનું ઉદ્ઘાટન કર્યું હતું. મોબાઇલ ફેક્ટ્રીની વિશેષતા નીચે મુજબ છે.

સ્થળ.......................................... સેક્ટર ૮૧ નોઇડા

એરિયા................................................... ૩૫ એકર

ઓપરેશન................................................ ૧૯૯૫થી

પ્રવર્તમાન ક્ષમતા................... ૫૦ લાખ ફોન મહિને

વિસ્તરણ બાદ ક્ષમતા................ મહિને ૧.૨૦ કરોડ

વર્કફોર્સ..................................................... ૭૦૦૦૦

વિસ્તરણ ખર્ચ.................................... ૪૯૧૫ કરોડ

(9:28 pm IST)