Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

હજારો કરોડના કૌભાંડોની તપાસ માટે CBIએ બેંકિંગ અને ટેકસેશન નિષ્ણાતો માગ્યા

સીબીઆઇએ ૨૦૧૭માં બેંકિંગ કૌભાંડના ૯૩૯ કેસ નોંધ્યા, ૧૩૭માં પ્રાથમિક તપાસ કરી અને અદાલતોમાં ૯,૩૮૩ કેસ પેન્ડિંગ

નવી દિલ્હી તા. ૯ : પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીની રૂ. ૧૩ હજાર કરોડની છેતરપિંડી કેસ સહિત વિવિધ કૌભાંડોની તપાસ કરી રહેલી સીબીઆઈએ બેંકિંગ અને કરવેરા નિષ્ણાતો સહિત જુદા જુદા મંત્રાલયોના અધિકારીઓની પણ મદદ માંગી છે. આ મુદ્દે સીબીઆઈએ નાણાં મંત્રાલયને સત્તાવાર પત્ર લખ્યો હોવાના પણ અહેવાલ છે.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર, હજારો કરોડના કૌભાંડોની તપાસ કરવા સીબીઆઈએ નાણાં મંત્રાલયને એક પત્ર લખીને બેકિંગ, ફોરેન ટ્રેડ અને ટેકસેશન એડવાઈઝરની માંગ કરી છે. ફોરેન ટ્રેડ માટે તો સીબીઆઈએ સિનિયર એડવાઈઝર અને ડેપ્યુટી એડવાઈઝરની માગ કરી છે. આ હોદ્દા માટે જે કોઈની પસંદગી કરાશે તેમને સીબીઆઇમાં ટૂંકા ગાળા માટે કોન્ટ્રાકટ અપાશે. સીબીઆઈએ ૨૦૧૭માં બેંકિંગ છેતરપિંડીને લગતા ૯૩૯ કેસ નોંધ્યા છે અને ૧૩૭માં પ્રાથમિક તપાસ કરી છે, જયારે વિવિધ અદાલતોમાં ૯,૩૮૩ કેસ પેન્ડિંગ છે. સીબીઆઈએ નાણાં મંત્રાલય સહિત બીજા પણ કેટલાક મંત્રાલયોને આ પત્ર મોકલીને રજૂઆત કરી છે કે, આ તમામ હોદ્દા ટેકનિકલ સૂચનો મેળવવા માટે ફાળવાશે. નવા નિમાયેલા અધિકારીઓએ ટેકનિકલ સ્તરે તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીઓને મદદરૂપ થવાનું રહેશે. ડેપ્યુટેશન પર આવનારા તમામ અધિકારીઓને તેમના પગારના વીસ ટકા સ્પેશિયલ સિકયોરિટી એલાઉન્સ આપવાનું રહેશે. જોકે, આ હોદ્દા માટે અરજી કરનારા ઉમેદવારો તેમની ઉમેદવારી પાછી નહીં ખેંચી શકે. સીબીઆઈને શંકા છે કે, બેંકિંગ થકી ફોરેન ટ્રેડ એન્ડ ટેકસેશનમાં વિવિધ સ્તરે ઘણાં મોટા કૌભાંડો થયા છે.

નીરવ મોદીનો જટિલ કેસ પણ સીબીઆઈ પાસે છે, જેમાં બેંકિંગથી લઈને ફોરેન ટ્રેડ સહિતના અનેક કૌભાંડો થયા છે. થોડા સમય પહેલાં સીબીઆઈએ આઈડીબીઆઈ બેંકના સીએમડી અને એરસેલના પૂર્વ પ્રમોટર સી. શિવશંકરન અને તેમના પુત્રની પણ રૂ. ૬૦૦ કરોડના કૌભાંડમાં ધરપકડ કરી હતી. હજુ શુક્રવારે જ સીબીઆઈએ વડોદરાની ડાયમન્ડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ.ને રૂ. ૨,૬૫૪ કરોડની લોન આપવાના કેસમાં બેંક ઓફ ઈન્ડિયાના બે નિવૃત્ત અધિકારીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આરબીઆઈના કેટલાક પૂર્વ અધિકારીઓ સામે પણ સીબીઆઈ તપાસ કરી રહી છે.(૨૧.૬)

(4:05 pm IST)