Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

યશવંતસિંહ ઉકળી ઉઠ્યા

હું નાલાયક પુત્રનો લાયક પિતા છું

નવી દિલ્હી, તા. ૮ : એનડીએ સરકારમાં અગાઉ કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા યશવંતસિંહાએ મોદી સરકારની ટીકા કરવામાં કોઈ કસર રાખી નથી. હવે એક ડગલુ આગળ વધીને તેમણે મોદી સરકારના મંત્રી અને પોતાના પુત્ર જયંત સિંહાને પણ સપાટામાં લીધા છે. યશવંત સિંહાએ ટ્વીટર પર ઈશારામાં એવુ કહી નાંખ્યુ છે કે હું નાલાયક પુત્રનો લાયક બાપ છું. ટ્વીટર પર બળાપો કાઢતા સિંહાએ કહ્યું હતું કે પહેલા હું લાયક પુત્રનો નાલાયક બાપ હતો પણ હવે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે.હું મારા પુત્રે જે કર્યુ છે તેનુ સમર્થન કરતો નથી.

યશવંતસિંહા એટલા માટે ઉકળી ઉઠ્યા છે કે ઝારખંડમાં એક વેપારી અલીમુદ્દીનની ગત વર્ષે બીફ લઈ જવાની શંકાથી ઢોરમાર મારી હત્યા કરવાના મામલાના આરોપીઓનુ જયંત સિંહાએ માળા પહેરાવી સન્માન કર્યુ હતુ. જયંત સિંહાએ કહ્યું હતું કે રાંચી હાઈકોર્ટે દોષિઓની સજા સસ્પેન્ડ કરી છે અને તમામને જામીન પર છોડ્યા છે. આ મામલાની હાઈકોર્ટ ફરી સુનાવણી કરવાની છે. કમનસીબે મારા માટે ખોટા નિવેદન અપાઈ રહ્યા છે. જે નિર્દોષ છે તેમને બચાવવામાં આવે અને દોષિતને સજા અપાયુ તેવુ હું પહેલા જ કહી ચુકયો છે.કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. જયંતસિંહાએ રામગઢ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવીને આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. (૨૧.૯)

 

(10:17 am IST)