Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પ૦ વર્ષ સુધી BJP નું રાજ રહેશે, મોદી જ ફરી વડાપ્રધાન બનશે જય પાંડુરંગ

પુણેમાં પાર્ટીની સોશ્યલ મીડિયા ટીમને બંધ રૂમમાં સંબોધીને અમિત શાહે કાર્યકરોને એકદમ આક્રમક બનવાની સલાહ આપી અને કહયું...

વોલન્ટિયર્સને શુભેચ્છા આપવા માટે ગઇ કાલે પુણે પહોંચેલા અમિત શાહ.

પુણે તા.૯: પુણે આવેલા બીજેપીના અધ્યક્ષ અમિત શાહે ગઇ કાલે સોશ્યલ મીડિયા વિશે પાર્ટીના વોલન્ટિયર્સ સાથે યોજાયેલી વર્કશોપમાં કહ્યું હતું કે ' જે લોકો એન્ટિ-બીજેપી છે તેમની સામે સોશ્યલ મીડિયામાં તમે અગ્રેસિવ થાઓ. આપણે પ૦ વર્ષ માટે સત્તામાં રહેવાના છીએ. નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બનશે.'

ગઇ કાલે અમિત શાહ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસ સાથે સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામ મહારાજની વાર્ષિક પાલખીના સરઘસમાં હાજર રહયા હતા, જયાં તેમણે 'આર્ય ચાણકયના વિચારોની આજના જીવન સાથે સુસંગતતા' પર પોતાના વિચારો વ્યકત કર્યા હતા.

નવી દિલ્હી અને મુંબઇની સોશ્યલ મીડિયા ટીમ દ્વારા આયોજિત સોશ્યલ મીડિયા પરની બે કલાકની વર્કશોપમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી બીજેપીના વોલન્ટિયર્સના ટોળેટોળાં ઊમટયાં હતા. બાલ ગંધર્વ રંગ મંદિર ખાતે બપોરે બેથી ચાર વાગ્યા દરમ્યાન યોજાયેલી વર્કશોપમાં મીડિયા કે પોલીસને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. ઓખળપત્રના આધારે પ્રવેશ મેળવનારા વોલન્ટિયર્સને માત્ર બે જ દિવસ પહેલાં એસએમએસથી આ વિશે જાણ કરવામાં આવી હતી. વર્કશોપ વખતે રંગમંદિરમાં પણ તમામ વોલન્ટિયર્સને તેમના મોબાઇલ ફોન બંધ રાખવા તેમ જ આ ઇવેન્ટના ફોટો કે વિડિયો ન લેવાનુ સૂચના આપવામાં આવી હતી.

વોલન્ટિયર્સને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે 'સોશ્યલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન બની રહેવું ન જોઇએ. એનો ઉપયોગ માહિતી એકત્ર કરવામાં, નિરીક્ષણ કરવામાં, સંશોધન માટે તથ્યોની ખરાઇ ચકાસવા, આંકડાકીય માહિતી મેળવવા તેમ જ વિશ્લેષણ માટે કરવામાં આવવો જોઇએ. વોલન્ટિયર્સે નિયમિત સવાર, બપોર અને સાંજ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો જોઇએ.'

ભાવિ ચૂંટણીની દિશા વિશે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે 'સોશ્યલ મીડિયા યુવાનોનો વિષય છે. યુવાઓ પોતાના વિચારો વ્યકત કરવા આ માધ્યમનો ઉપયોગ કરતા હોય છે અને આ જ ચીજ આગામી ચૂંટણીમાં બીજેપીને ઘણી મદદરૂપ પુરવાર થશે. સરકાર કે બીજેપી વિરૂદ્ધ કોઇ મુદ્દો ઉઠાવવામાં આવે ત્યારે વોલન્ટિયર્સે આક્રમક ભાષા વાપરવી જોઇએ. આ માટે અમે યુવાનોને તાલીમ નહીં આપીએ. તેમનું સંપૂર્ણ ધ્યાન આ બાબત પર હોવું જોઇએ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર તેમણે ઐકય દાખવવું જોઇએ, કેમ કે આ કોઇ વ્યકિતના નહીં પણ પક્ષના વિકાસ માટે આવશ્યક છે.'

આગામી ચૂંટણી માટે કાર્યકરોનો પોરો ચડાવતાં તેમણે કહયું હતું કે 'છેલ્લાં સાડાચાર વર્ષથી આપણે ગંદકી સાફ કરી રહ્યા છીએ. જે લોકોએ પોતાના આત્મા સુધ્ધાં વેચી દીધા છે અને જેમનામાં નૈતિકતા બચી નથી તે લોકો સરકારને એના એજન્ડાથી ભટકાવી શકશે નહીંં. અમને જાણ છે કે અન્ય પાર્ટીઓના કેટલાક નેતાઓ સરકારની વિરૂદ્ધ છે પણ અમને તેની પરવા નથી, કેમ કે અમે જાણીએ છીએ કે આવતાં ૫૦ વર્ષ સુધી અમે જ સત્તા પર આવવાના છીએ અને બીજેપી વિરૂદ્ધ અફવા ફેલાવનારાઓ સામ કે બીજેપી વિરોધી ઝુંબેશ ચલાવનારાઓ સામે અસરકારક અને વ્યૂહાત્મક રીતે લડવા અમને સાઇબર યોદ્ધાઓ જોઇએ છે.' (૧.૫)

 

(10:14 am IST)