Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

હૈદરાબાદ પોલીસ એકેડેમીની પરીક્ષામાં પહેલીવાર ૧૨૨માંથી ૧૧૯ IPS ઓફિસરો ફેઇલ

ચોંકાવનારી વાત એ પણ છે કે ફેઇલ થનારા ઓફિસરોમાં એ ઓફિસરો પણ સામેલ છે જેમણે ઓકટોબરમાં થયેલી પાસિંગ આઉટ પરેડમાં મેડલ અને ટ્રોફી જીત્યા હતા

હૈદરાબાદ તા. ૯ : દેશમાં આપણે શાળાઓ અને કોલેજોના તો અનેકવાર ચોંકાવનારા પરિણામો જોયા જ છે જેમાં આખે આખી શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ ફેઈલ થતા હોય છે. પરંતુ આવા પરિણામ જો નેશનલ પોલીસ એકેડેમીમાંથી આવે તો શું થાય? હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ (ભારતીય પોલીસ સેવા)માં પસંદ થયા બાદ સેવા માટે જરૂરી પરીક્ષા આપવા માટે પહોંચેલા ૧૨૨ ટ્રેની ઓફિસરોમાંથી ૧૧૯ આ જરૂરી પરીક્ષામાં ફેઈલ થઈ ગયા છે.  એકેડેમીમાંથી ગ્રેજયુએશન દરમિયાન આ ભાવી ઓફિસરો માટે આ પરીક્ષામાં પાસ થવું જરૂરી હોય છે. તેમને પાસ થવા માટે ૩ તક મળશે. પરંતુ આ પરિણામોથી દરેક જણ સ્તબ્ધ છે. જો કે ફેઈલ થવા છતાં તેમને હાલ ગ્રેજયુએટ જાહેર કરી દેવાયા છે અને અલગ અલગ કેડરોમાં પ્રોબેશનર બનાવવામાં આવ્યાં છે. પરંતુ ૩ પ્રયત્નોમાં દરેક સબ્જેકટમાં પાસ ન કરવાની સ્થિતિમાં તેમને સેવાથી બહાર કરવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ ૨૦૧૬માં ફકત બે જ આઈપીએસ ઓફિસર એકેડેમીથી પાસ કરી શકયા નહતાં. આ વર્ષે ફોરેન પોલીસ ફોર્સ મળીને કુલ ૧૩૬ આઈપીએસ ઓફિસરોમાંથી ૧૩૩ એક કે એકથી વધુ વિષયોમાં ફેલ થયા છે. જેમાં ઈન્ડિયન પીનલ કોડ (ભારતીય દંડ સહિતા) અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (દંડ પ્રક્રિયા સંહિતા) વિષય સામેલ છે.

ચોંકાવનારી વાત એ પણ છે કે ફેઈલ થનારા ઓફિસરોમાં એ ઓફિસરો પણ સામેલ છે જેમણે ઓકટોબરમાં થયેલી પાસિંગ આઉટ પરેડમાં મેડલ અને ટ્રોફી જીત્યા હતાં. આ બાજુ ફોરેન પોલીસ ફોર્સના તો તમામ ઓફિસરો ફેઈલ થઈ ગયા છે. એક પ્રોબેશનરે જણાવ્યું કે ઓફિસરો ફરીથી એકવાર પરીક્ષા આપશે. તેમણે કહ્યું કે એકેડેમીના ઈતિહાસમાં આવું કયારેય થયું નથી. લોકો પરીક્ષામાં ફેઈલ થાય છે પરંતુ આ રીતે મોટાભાગના તમામ ફેઈલ થાય તે મોટી વાત છે.

ફેઈલ થયેલા ઓફિસરોને પરીક્ષા પાસ કરવા માટે ૩ તક મળશે. પરંતુ આમ છતાં જો તેઓ પરીક્ષા પાસ ન કરી શકયા તો તેમને સર્વિસ પર રાખવામાં આવશે નહીં. દેશમાં આઈએએસ ઓફિસર પોતાની ટ્રેનિંગ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પૂરી કરે છે. જયારે આઈપીએસ ઓફિસરો સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ પૂરી કરી શકે છે.

ફકત ૨ કે ૩ ઓફિસરો જ બધા વિષયોની પરીક્ષા પાસ કરી શકયાં. મોટા ભાગના ઓફિસરો લો એન્ડ ઓર્ડ અને આંતરિક સુરક્ષાના વિષયોમાં ફેઈલ થયા. એવોર્ડ જીતનારા ઓફિસરો પણ પરીક્ષામાં ફેઈલ થયાં. ૯૦ ટકા તાલીમાર્થી ઓફિસરો એક કે તેનાથી વધુ વિષયોમાં ફેઈલ થયાં.

આઈપીએસ ઓફિસરોની ટ્રેનિંગ લેનારા ઓફિસરોએ એવિડેન્સ એકટ, ઈન્ડિયન પીનલ કોડ, ક્રિમિનલ પ્રોસીજર કોડ, ફોરેન્સિક સાયન્સ, ફોરેન્સિક મેડિસિન એન્ડ આઈપીસી, ફોરેન્સિક એન્ડ ઈન્વેસ્ટિગેશન, હથિયાર ચલાવવાની ટ્રેનિંગ, હોર્સ રાઈડિંગ, ફિલ્ડ ક્રાફટ અને આઉટડોર ડ્રિલની ટ્રેનિંગ લેવાની હોય છે. ટ્રેનિંગ લેનારા એક આઈપીએસ તાલીમાર્થીએ કહ્યું કે આ ઓફિસરો ફરીથી પરીક્ષા આપશે. આ આશ્યર્યજનક પરિણામ છે.(૨૧.૪)

(9:03 am IST)