Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બાળકો નથી સલામત ! ૨૦૧૬માં ૫૦,૦૦૦થી પણ વધુ બાળકો ગુમ

ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટઃ બે વર્ષમાં ગુજરાતમાંથી ૪૮૦૩ બાળકો ગૂમ થયાં છે કે જેમાં સુરતમાંથી ૧૨૫૬, અમદાવાદમાંથી ૧૨૪૧, વડોદરામાંથી ૩૨૨ અને રાજકોટમાંથી ૨૨૩ બાળકો ગૂમ થયાં છે

નવી દિલ્હી તા. ૯ : બાળક ચોરની અફવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી આગની જેમ ફેલાઇ રહી છે. અજાણ્યાં વ્યકિતને લોકો બાળક ચોર સમજી લે છે અને પછી નિર્દયતાથી મારપીટ થાય છે. પરંતુ લોકોમાં આ શંકા ઉપજાવવા પાછળ માત્ર અફવા જ જવાબદાર નથી. કારણ કે ગૃહ મંત્રાલયે બાળકોની ચોરી અને ગૂમ થવાનાં જે આંકડા રજૂ કર્યા છે તે પણ ચોંકાવનારા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૬માં ૫૪ હજાર ૭૨૩ બાળકોનું અપહરણ થયું પરંતુ માત્ર ૪૦.૪ ટકા કેસમાં જ પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને તેમાંથી માત્ર ૨૨.૭ ટકા લોકોને જ સજા મળી છે. તો વર્ષ ૨૦૧૫માં ૪૧૮૯૩ બાળકોનું અપહરણ થયું. જયારે ૨૦૧૪માં ૩૭૮૫૪ બાળકો અપહરણનો શિકાર બન્યાં છે.

જો કે સરકારે ૨૦૧૭માં અપહરણ થયેલાં આ બાળકોની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે દિવસેને દિવસે દેશમાં બાળકોનાં અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં રાજય સરકારે જે આંકડા રજૂ કર્યા તે પણ ચિંતાજનક છે.

કારણ કે છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ૪૮૦૩ બાળકો ગૂમ થયાં છે કે જેમાં સુરતમાંથી ૧૨૫૬, અમદાવાદમાંથી ૧૨૪૧, વડોદરામાંથી ૩૨૨ અને રાજકોટમાંથી ૨૨૩ બાળકો ગૂમ થયાં છે. ગુજરાતનાં મુખ્ય ચાર શહેરોમાંથી જ ૩૦૪૨ બાળકો ગુમ થયાં છે.

એટલે જે રીતે બાળકો ગુમ થઇ રહ્યાં છે તેને લઇને લોકોમાં ચિંતા વધી છે અને ચિંતાની આ આગમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવા ઘી હોમવાનું કામ કરે છે. દેશભરમાં આ બાળચોરીની શંકામાં ઘણી જગ્યાએ મારપીટ થઇ અને અત્યાર સુધીમાં ૨૦થી વધુ નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.(૨૧.૪)

(11:39 am IST)