Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મુંબઈમાં ધોધમાર વરસાદ જારી : નાગરિકો મુશ્કેલીમાં

અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ : આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી : લોકોને હાલ પુરતી રાહત નહીં મળે તેવી સંભાવના

મુંબઈ,તા. ૮ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ધોધમાર વરસાદનો દોર આજે પણ જારી રહ્યો હતો. બીજી બાજુ મુંબઈમાં રહેતા લોકોને હાલપુરતી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય જગ્યા પર લોકો અટવાયા હતા. જો કે, આજે રવિવાર હોવાના કારણે નોકરીમાં મોટાભાગના લોકોની રજા રહી હતી. શનિવારના દિવસે જ નાગપુર, ઔરંગાબાદ, નાંદેદ, અકોલા, વલ્ધા, ચંદ્રપુર અને કોંકણમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ હતી. બચાવ અને રાહત કામગીરી ઘણા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં તમામ નિચાણવાલા વિસ્તારો જળબંબાકાર રહ્યા હતા. ઉપનગરીય ટ્રેન સેવાને પણ અસર થઇ હતી. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈના જુદા જુદા ભાગોમાં ગઇકાલે શનિવરાના દિવસે ભારે વરસાદ થયો હતો. જેના લીધે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. થાણે, કલ્યાણ, નવી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઉપનગરીય રેલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ વરસાદ સંબંધિત બનાવમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જોકે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યું નથી. ભારે વરસાદ વચ્ચે કલ્યાણ-ડોંબીવલી ક્ષેત્રમાં ખાડાવાલી નદીમાંથી બે વણઓળખાયેલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે મુંબઈના ઘાટકોપરમાં વીજ થાંભલાના કરંટથી એક મહિલાનું મોત થયું છે. વસઈમાં ૪૦ લોકો અટવાયા હોવાના પણ સમાચાર મળ્યા છે. કેટલાક લોકોને લાપતા પણ દર્શાવવામાં આવ્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગઇકાલે પણ મલાડ, બોરીવલી, પોવાઈ, ભાંડુ અને થાણેના જુદા જુદા ભાગો તથા કલ્યાણમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદનો દોર જારી રહી શકે છે. છેલ્લા ચોવીસ કલાકમાં શાંતિક્રુઝ અને કોલાવામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મળેલી માહિતી મુજબ વિઠલવાડી અને કલ્યાણ વચ્ચે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન સેવાને રોકી દેવાઈ છે. ગઇકાલે બદલાપુર અને કલ્યાણ વચ્ચે ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવેએ માહિતી આપતા કહ્યું છે કે સવારે થોડાક સમય સુધી લોકલ ટ્રેનને બંધ રાખવામાં આવ્યા બાદ ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સેન્ટ્રલ રેલવે દ્વારા લાંબ અંતરની અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે. હિંદમાતા, ભાંડુપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સોમવાર અને મંગળવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહેવાની ચેતવણી જારી કરાઈ છે. હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસી દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બસ સેવાને પણ માઠી અસર થઇ છે. સાથે સાથે મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતા લોકલ ટ્રેન સેવાને પણ અસર થઇ છે.

(12:00 am IST)