Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

લિવ-ઇન રિલેશનમાં રહેવાના નિર્ણયનું મૂલ્યાંકન કરવાનું કામ કોર્ટનું નથી : હાઇકોર્ટ

લિવ -ઇનમાં રહેતા યુગલને સુરક્ષા આપવા પંજાબ હાઇકોર્ટનો આદેશ

ચંદીગઢ,તા. ૯:  પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક યુગલને સુરક્ષા પ્રદાન કરવાનો આદેશ કરતાં કહ્યું કે જો એ વગર લગ્ને સાથે રહેવા ઈચ્છે છે તો એ એમની મરજી છે, આ યુગલના નિર્ણયનું મૂલ્યાંકન કરવાનું કામ અમારૃં નથી.

હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે પંજાબના ભટિંડાની ૧૭ વર્ષની યુવતિ અને ૨૦ વર્ષની યુવકની અરજી પર આ આદેશ આપ્યો છે. આ યુગલે પોતાની જિંદગીની સુરક્ષા અને પરિવારના સભ્યોથી આઝાદી માટે વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે ઉત્ત્।ર ભારતમાં ખાસ કરીને હરિયાણા, રાજસ્થાન અને ઉત્ત્।રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઓનર કિલિંગની ઘટના બનતી રહે છે અને ઉમેર્યું કે એવા યુગલોની સુરક્ષા સુનિશ્યિત કરવાની જવાબદારી રાજય સરકારની છે.

અરજીકર્તાએ કહ્યું કે યુવતિના માતા-પિતા તેના લગ્ન કોઈ અન્ય સાથે કરાવવા ઈચ્છે છે, કારણ કે તેમને બંનેના સંબંધની ખબર મળી હતી. યુવતિ પોતાના માતા-પિતાના ઘરથી નીકળી ગઈ અને જીવનસાથી સાથે રહેવા માંડી છે. વિવાહ યોગ્ય ઉંમર નહીં હોવાના કારણે તેમણે લગ્ન કર્યા નથી. યુગલે જણાવ્યું કે અમે બઠિંડાના પોલીસ વડા સમક્ષ સુરક્ષા માટે વિનંતી કરી હતી, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી.

આ મામલામાં પંજાબ સરકાર તરફથી કોર્ટને જાણ કરવામાં આવી હતી કે યુગલે લગ્ન કર્યા નથી અને એ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા ઈચ્છે છે. આગળ તેમણે કહ્યું કે તાજેતરમાં કેટલીક હાઈકોર્ટની બેન્ચોએ આવા મામલા ફગાવી દીધા હતા, જયાં આવા યુગલોને સુરક્ષા આપવા સંબંધમાં વિનંતી કરાઈ હતી.

જસ્ટિસ સંત પ્રકાશે ત્રણ જૂને પોતાના આદેશમાં લખ્યું કે, જો કોઈએ પણ લગ્ન વિના સાથે રહેવાનો નિર્ણય કર્યો છે તો આવા લોકોને સુરક્ષા આપવાનો ઈનકાર કરવો એ ન્યાયની મજાક કહેવાશે અને આવા યુગલોને કયારેક ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે, જેમને સુરક્ષાની આવશ્યકતા છે.

જસ્ટિસ પ્રકાશે કહ્યું કે આવી સ્થિતિમાં જો સુરક્ષા આપવાથી મનાઈ કરવામાં આવે છે તો કોર્ટ પણ બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકોના જીવન અને આઝાદીના અધિકાર અને કાનૂનના શાસનને જાળવી રાખવામાં પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહેશે. જસ્ટિસ પ્રકાશે ઉમેર્યું કે અરજીકર્તાએ વગર લગ્ને સાથે રહેવાનો નિર્ણય કર્યો છે અને તેમના નિર્ણયનું મૂલ્યાંકન કરવાનું કામ કોર્ટનું નથી.

(10:10 am IST)