Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અફઘાનમાં ભીષણ તાલિબાની હુમલામાં ૧૯ના નિપજેલ મોત

યુદ્ધ વિરામની જાહેરાતના કલાકો બાદ હુમલોઃ તાલિબાની ત્રાસવાદી દ્વારા હુમલાની જવાબદારી લેવાઈ

કાબુલ, તા.૯: અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યાના કલાકો બાદ જ તાલિબાની આતંકવાદીઓએ સરકાર સમર્થિત સુરક્ષા દળો ઉપર ભીષણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ૨૦ સુરક્ષા જવાનો માર્યા ગયા છે. તાલિબાની બળવાખોરોએ અલસુબહ કલાએજલ જિલ્લામાં સુરક્ષા ચોકીઓ ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ૨૦ સુરક્ષા જવાનોના મોત થઈ ગયા હતા. અન્ય છ લોકો ઘાયલ પણ થયા હતા. આ પહેલા આજે તાબિલાને અફઘાનિસ્તાનમાં ઈદ ઉલ ફિતરના ત્રણ દિવસના ગાળા દરમ્યાન યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. તાલિબાન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તમામ મુજાહિદ્દીનોને ઈદથી પહેલા, બીજા અને ત્રીજા દિવસે સમગ્ર દેશમાં સુરક્ષા દળોની સામે પોતાના તમામ આક્રમક અભિયાનોને રોકવા માટે કહેવામાં આવ્યું છે. ઈદ ઉલ ફિતરની ઉજવણી ૧૪મી જૂનના દિવસે કરવામાં આવનાર છે. તાલિબાનો દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ કલાકો પછી જ આ હુમલો કરવામાં આવ્યો હતો. તાલિબાને હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. બીજી બાજુ કુન્દુઝ પ્રાંતના ગવર્નર પ્રવક્તા તેમુરીનું કહેવું છે કે લોકલ પોલીસના ઘાયલ થયેલા સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં રક્તપાતનો દોર છેલ્લા ઘણા સમયથી જારી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે વિકાસની કામગીરી અટવાઈ પડી છે. આ કામગીરીની ગંભીર નોંધ લેવામાં આવી છે. અફઘાનિસ્તાનની અંદર ભારતના પણ અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે ભારત સરકાર પણ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા રક્તપાતના દોર વચ્ચે ચિંતાતૂર છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના જવાનો પણ હજુ સુધી સક્રિય રહેલા છે. તાલિબાન તરફથી શાંતિના પ્રયાસ વચ્ચે કરાયેલા હુમલાથી તંગ સ્થિતિ છે.

(6:51 pm IST)