Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

૬૬ કરોડની ઇફતાર પાર્ટી : તેલંગાણાના મુખ્યમંત્રી રાવ ફરી વિવાદમાં ફસાયા

નાણાનો બગાડ : વિરોધીઓ તુટી પડયા : હાઇકોર્ટમાં PIL

હૈદરાબાદ તા. ૯ : તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવ દ્વારા અપાયેલી ઈફતાર પાર્ટી વિવાદોમાં ફસાઈ છે. શુક્રવાર સાંજે હૈદરાબાદ ખાતે આ ઇફતાર પાર્ટી અપાઈ હતી. પાર્ટીમાં મુખ્ય પ્રધાન, તેમના કેબિનેટ સભ્યો અને શહેરના જાણીતાં લોકોએ ભાગ લીધો હતો. ઈફતાર પાર્ટીમાં રૂપિયા ૬૬ કરોડ જેટલું જંગી ખર્ચ થવાનું હોવાથી તેના પર મનાઈ ફરમાવવાની માગણી સાથે  હૈદરાબાદ હાઈકોર્ટ ખાતે નવી જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જાહેર હિતમાં કહેવામાં આવ્યું હતું કે  રાજય સરકાર તેલંગાણાના કિંમતી ભંડોળનો ઉપયોગ ઈફતાર પાર્ટી માટે કરીને કલ્યાણ ભંડોળનો દુરૂપયોગ કરી  રહી છે.

 

ઈફતારના વિરોધીઓ આક્ષેપ કરી રહ્યા છે કે રાજય સરકાર લઘુમતી કલ્યાણ ભંડોળમાંથી જંગી રકમની ફાળવણી કરીને ઇફતાર પાર્ટી આપી રહી છે. આ પ્રસંગે ૮૦૦ મસ્જિદમાં ઈફતાર પાર્ટી આપવા ઉપરાંત ગિફટ પેકેટના વિતરણનું પણ આયોજન હતું. વિરોધીઓનું કહેવું છે કે જાહેર નાણાનો આ બગાડ છે.

આ મુદ્દે ધારાશા સ્ત્રી અભિનવે હૈદરાબાદ હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરી હતી. પરંતુ જજે ઇનકાર કરીને કહ્યું હતું કે અરજદારે વેકેશન બેન્ચનો સંપર્ક સાધવો જોઇએ.(૨૧.૮)

(11:37 am IST)