Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો મસૂદ અઝહર બનાવી રહ્યો છે જેહાદી મહિલાઓની ફૌજ : મહિલાઓને ભડકાવવા જારી કર્યો ઝેરી સંદેશો : ભારત સામે મહિલાઓનો ઉપયોગ કરવાનો ખતરનાક મનસુબો

નવી દિલ્હી: આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે હવે ભારત સામે નવા હથિયાર તરીકે મહિલાઓનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોય તેવું લાગે છે. મૌલાના મસૂદ અઝહર જૈહાદ ફેલાવવા માટે મહિલાઓની એક આતંકી ફૌજ બનાવવા માંગે છે. આ માટે તે મહિલાઓને ભડકાવી રહ્યો છે.

મસૂદ અઝહરે પોતાની ઓનલાઈન જેહાદી મેગેઝીન દ્વારા પોતાનો એક ભડકાઉ ઓડિયો સંદેશ જારી કર્યો છે. મહિલાઓને જેહાદ માટે ભડકાવતા મસૂદે ઈસ્લામિક ઈતિહાસમાં મહિલાઓની જેહાદમાં કથિત ભાગીદારીની અનેક મિસાલો હોવાનો દાવો કર્યો છે. અઝહર મસૂદ ઓનલાઈન જેહાદી મેગેઝીનમાં "શાદીના" ઉપનામથી પોતાનો લેખ લખે છે.

મસૂદ અઝહરના સંદેશ તરીકે જારી કરાયેલા ઓડિયો ક્લિપમાં દાવો કરાયો છે કે ઈસ્લામના ઈતિહાસમાં એવું અનેકવાર બન્યું જ્યારે મહિલાઓએ જેહાદમાં ભાગીદારી કરી. જૈશ એ મોહમ્મદ હાલ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સક્રિય છે. મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો સર્વેસર્વા છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે જમ્મુ અને કાશ્મીરમાં રમજાન દરમિયાન લાગુ કરાયેલા શસ્ત્રવિરામને ભારત સરકારની મજબૂરી ગણાવીને તેની મજાક ઉડાવી હતી. તેણે એક જનસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે ભારત સરકારે મજબૂરીમાં શસ્ત્રવિરામ લાગુ કરવો પડ્યો છે. મસૂદ અઝહરને એક ઓડિયો ક્લિપમાં કહેતો સાંભળી શકાય છે કે હવે કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી માટે સારી તક છે. જૈશ ભારતમાં આ અગાઉ પણ અનેક આતંકી હુમલાઓને અંજામ આપી ચૂક્યું છે. હવે તેણે આ હુમલા વધુ પ્રમાણમાં કરવાની પણ ધમકી આપી છે.

(11:09 am IST)