Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

દારૂ, ગુટખા પછી હવે નીતિશ કુમાર તમાકુ પર જ પ્રતિબંધ મૂકવાના મૂડમાં

પટના તા. ૯ : બિહારમાં દારૂ અને ગુટખા પર પ્રતિબંધ લગાવ્યાના ૨ વર્ષ બાદ રાજય સરકાર હવે આકરાં પગલાં ઉઠાવવાની તૈયારી કરી રહી છે. જો બધું જ ઠીક રહ્યું તો રાજયની નીતિશ સરકાર તમાકુ પર પ્રતિબંધ લગાવી શકે છે. બિહાર સરકારે કેન્દ્રને પત્ર લખ્યો છે જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ(FSSA) ૨૦૦૬ અંતર્ગત તમાકુને ખાદ્ય ઉત્પાદનના રૂપમાં સૂચિત કરવા ભલામણ કરી છે. જો કેન્દ્ર સરકાર આ ભલામણ સ્વીકારી લે તો સરકાર પાસે સ્વાસ્થ્યના આધાર પર તમાકુ પર પ્રતિબંધ લગાવવાનો વિકલ્પ રહેશે.

હેલ્થ સેક્રેટરી સંજય કુમારે કહ્યું કે, હેલ્થ ડિપાર્ટમેન્ટ પહેલેથી જ નિકોટિનનો સમાવેશ હોય તેવી ગુટખા અને પાન મસાલાને બનાવવા, વેચવા અને સપ્લાય કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કાયદામાં કહેવામા આવ્યું છે કે નિકોટિન વાળી કોઈપણ ખાદ્ય સામગ્રીને મંજૂરી નહીં આપવામાં આવે. ત્યારે જો કેન્દ્ર સરકાર આ ભલામણ સ્વીકારી લે છે તો FSSA અંતર્ગત તમાકુને પણ રેગ્યુલેટ કરવામાં આવશે. તમાકુનું સેવન કરતા સગીરો પર અંકુશ રાખવા માટે હુક્કા બાર બંધ કરાવવા અને તમાકુ પ્રોડકટની જાહેરાતોના હોર્ડિંગ્સ હટાવવા માટે માગણી કરી છે.

બિહારના હેલ્થ સેક્રેટરી સંજય કુમાર મુજબ બિહારમાં દરેક પાંચમો વ્યકિત તમાકુનું સેવન કરે છે. બિહારમાં સિગારેટ પર નિયંત્રણ લગાવવામાં આવ્યા છે પણ તમાકુની ખપત વધુ હોવા છતાં તેના પર ખાસ ધ્યાન નથી આપવામાં આવ્યું. આંકડાઓ મુજબ બિહારમાં તમાકુનું સેવન કરતા લોકોની સંખ્યા ચિંતાજન છે. મોઢાનું કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ તમાકુ હોય છે.

સિડ્સ એકિઝકયુટિવ દિપક મિશ્રાએ કહ્યું કે, ૨૦૧૬-૧૭માં 'ગ્લોબલ એડલ્ટ ટોબેકો' દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ બિહારની ૨૫.૯ ટકા જનતા તમાકુનું વિવિધ રૂપમાં સેવન કરે છે. જેમાંથી ૨૦.૪ ટકા લોકો ચાવવા વાળી તમાકુનું સેવન કરે છે.(૨૧.૪)

(10:09 am IST)