Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

છ વર્ષની ઉંમરે મા-બાપે પરણાવી : યુવતી લગ્ન રદ્દ કરાવવા કોર્ટ પહોંચી

દસમા ધોરણની પરીક્ષા આપી રહી છે કિશોરી

જયપુર તા. ૯ : માત્ર છ વર્ષની ઉંમરે જબરજસ્તી કરાવેલા લગ્ન જોધપુરના પિથાવાસ ગામની પિન્ટુદેવી ૧૨ વર્ષ સુધી યાતના સહન કર્યા બાદ હવે તે કોર્ટમાં પહોંચી છે. તે પોતાના લગ્ન રદ કરવા ઈચ્છે છે.

દિહાડીના મજૂર સોહનલાલ વિશ્નોઈની દીકરી પિન્ટુદેવીના લગ્ન સરન નગરના યુવક સાથે કરી દેવામાં આવ્યા હતા. તેના સાસરીયાના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે. પિન્ટુદેવીનું કહેવું છે કે, હું મારા સાસરિયાંઓના ગુનાઈત પ્રવૃત્તિઓ અને અન્ય કારણોથી મારા લગ્ન રદ કરવા ઈચ્છું છું.

તો બીજી તરફ પિન્ટુદેવીના સાસરિયાં તેને સામાજિક બહિષ્કારની ધમકી આપી રહ્યા છે. જોધપુરમાં કેટલાય વર્ષોથી બાળ લગ્ન જેવી કુપ્રથા વિરુદ્ઘ લડી રહેલી સારથી ટ્રસ્ટની મેનેજિંગ ટ્રસ્ટી કૃતિ ભારતીની મદદથી પિન્ટુદેવી કોર્ટમાં પહોંચી. ફેમિલી કોર્ટના પ્રથમ જજ પીકે જૈનએ પિન્ટુદેવીની અરજી સ્વીકારતા તેના પતિને ૨૨ જૂને થનારી આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે નોટિસ પાઠવી છે.

ભારતી કહે છે કે લગ્ન રદ થયા બાદ પરિવારો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પિન્ટુદેવીને પુનર્વસનની સારી વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે આ વર્ષે તે દસમા ધોરણની પરીક્ષા આપી રહી છે. ભારતીએ જણાવ્યું કે અમે તેની આગળની શિક્ષા ચાલુ રહે તેની પણ વ્યવસ્થા કરી આપીશું.(૨૧.૩)

(9:59 am IST)