Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વિરાટ કોહલીએ દાઢીનો ઇન્સ્યોરન્સ કરાવ્યો ! સામે આવ્યા CCTV ફૂટેજ

આગામી મહિનેથી કોહલી ફરી એકશનમાં જોવા મળશે

નવી દિલ્હી તા. ૯ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ત્રણ ફોર્મેટમાં લગભગ ૫૦થી વધારેની એવરેજથી બેટિંગ કરી રહ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ હાલમાં ગળાની ઈજાથી પરેશાન છે. પરંતુ જલ્દી જ તે મેદાનમાં કમબેક કરવાનો છે. વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં ૩૫ સદી ફટકારી છે. તો ટેસ્ટમાં તેના નામે ૨૧ સદી છે. ભારતીય ટીમ આગામી મહિનાથી ૩ જુલાઈએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર જવાની છે. તેવામાં ફેન્સ ઈચ્છશે કે કોહલી આ પ્રવાસ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય.

પ્રોફેશનલ કરિયર સાથે કોહલી પોતાની પર્સનલ લાઈફ પર પણ ખૂબ ધ્યાન આપે છે. તે રોજ વર્કઆઉટ કરે છે અને જિમમાં ખૂબ પરસેવો પાડે છે. કોહલી પોતાના લુકસનું ખાસું ધ્યાન રાખે છે. તે પાછલા કેટલાક વર્ષોથી દાઢી રાખે ચે. ભારતીય ક્રિકેટ ફ્રેન્સ ખાસ કરીને યુવા ફેન્સને કોહલીની દાઢી ખૂબ પસંદ છે. અહીંયા સુધી કે ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓએ પણ પોતાની દાઢીનો લૂક કોહલીની જેવો કરી દીધો છે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો કોહલી સાથે નજર આવી રહ્યા છે. તે કોહલીની દાઢીનો વાળ કાઢીને પોતાની સાથે લઈ જાય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કોહલીએ પોતાની દાઢીનો ઈન્સ્યોરન્સ કરાવ્યો છે. જોકે આ ખબરની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. તો વિરાટ કોહલીના સાથી ખેલાડી કે.એલ રાહુલએ પણ કોહલીનો આ વીડિયો શેર કર્યો છે.

કે.એલ રાહુલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે, મને લાગે છે કે કોહલીએ પોતાની દાઢીનો ઈન્સ્યોરન્સ કરાવી લીધો છે. આ વીડિયોના લીક ફૂટેજમાં વિરાટ કોહલી વાળ આપ્યા બાદ એક કોન્ટ્રાકટ પેપર પર સાઈન કરતો દેખાય છે. આ બાદ તેની દાઢીની બધી બાજુએથી કેટલીક તસવીરો ખેંચવામાં આવે છે. તો શું વિરાટ કોહલીએ દાઢીનો ઈન્સ્યોરન્સ કરાવી લીધો? આ સવાલનો જવાબ તો હવે વિરાટ કોહલી પોતે જ આપી શકે છે. વિરાટના ફેન્સે પણ આ વાતનું સત્ય જાણવા માટે ઉત્સુક છે.

(10:31 am IST)